અમદાવાદઃ વાવાઝોડાના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયું છે. બુધવારે દિવસ દરમિયાન 65 નખત્રાણા,તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. અને વાવાઝોડું કચ્છ-સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ગુરૂવાર સાંજ સુધીમાં ટકરાશે તેની સાથે જ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દરમિયાન બુધવારે સવારે પુરા થતાં છેલ્લા 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદે તોફાની બેટિંગ કરતાં ભર ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ અને તેજ પવન ફૂંકાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં સૌથી વધુ ગીર-સોમનાથના ગડુશેરબાગમાં 12 ઇંચ, જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઈંચ વરસાદ ખાબકી જતાં લોકોની હાલત કફોડી બની હતી.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે દિવસ દરમિયાન ભૂજ, કલ્યાણપુર, ભાવનગરના સિહોર, જુનાગઢના વિસાવદર, સહિત 65 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. દરમિયાન બુધવારે સમીસાંજ બાદ પણ દેવભૂમિ દ્વારકા, જુનાગઝ, મોરબી, રાજકોટ,બનાસકાંઠા અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે. બુધવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન ગીર સોમનાથના સુત્રાપાડા અને વેરાવળમાં 9-9 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જુનાગઢના જ માળીયાહાટીના અને કેશોદ તાલુકામાં આઠ ઈંચ, વંથલી અને તાલાલામાં છ ઈંચ વરસાદથી સમગ્ર જુનાગઢ જિલ્લો વરસાદી પાણીના કારણે બેટમાં ફેરવાયો હોય તેવા દેશ્યો જોવા મળ્યા હતા. આ સિવાય ઉપલેટા, માણાવદર, માંગરોળ, જુનાગઢ અને ખંભાળીયામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. મંગળવાર સવારનાં 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યનાં કુલ 62 તાલુકાઓમાં વરસાદી સર્જાયો હતો. સૌથી વધુ સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં વરસાદ વચ્યો હતો. મંગળવારના દિવસ દરમિયાનના 12 કલાકમાં સૌથી વધુ દેવભુમિ દ્વારકા, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. આમ મંગળવાર સાંજ સુધીના વિતેલા 24 કલાકમાં અંદાજે સવા સોથી વધુ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં કુલ 24 તાલુકાઓમાં ત્રણ ઈંચથી લઈને 10 ઈચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ધોધમાર વરસાદ જુનાગઢ જિલ્લામાં ખાબક્યો હતો.