ગાંધીનગરઃ રાજ્યમાં ખાસ કરીને હિન્દુ સમાજમાં દીકરા-દીકરીના લગ્ન પહેલા બન્નેની કૂંડળી અને એમાં કેટલાં ગુણાંક મળે છે, તે જોવામાં આવતું હોય છે. એટલે કે લગ્ન જીવનમાં બન્નેને મનમેળ રહેશે તેની વડિલો ચિંતા કરતા હોય છે. જ્યારે લગ્ન પહેલા યુવક-યુવતીના થેલેસેમિયાનો તબીબી રિપોર્ટ પણ જરૂરી છે. ગુજરાતમાં થેલેસેમિયાને વધતો અટકાવવા ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવા માટે સરકાર વિચારણા કરી રહી છે. જેમાં લગ્ન નોંધણી વખતે જ દંપતીએ તેમનું થેલેસેમિયા છે કે નહીં તેનું માન્ય તબીબનું સર્ટિફિકેટ જોડવું ફરજિયાત કરવામાં આવશે.
ગુજરાતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના જન્મ દરને રોકવા માટે લગ્ન પહેલા દરેક યુવક-યુવતીનું તબીબી પરિક્ષણ કરાવવું જરૂરી છે.થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓએ અગાઉ પણ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી કે, થેલેસેમિયાનો ફેલાવો અટકાવવો હોય તો થેલેસેમિયા ધરાવતા નાગરિકોને આઇડેન્ટિફાય કરીને તેનામાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવા જોઈએ. આ પ્રયાસના ભાગરૂપે જ્યારે લગ્ન થાય ત્યાર પછી લગ્નની નોંધણી કરવામાં આવે છે. આ નોંધણી વખતે જ લગ્ન થયાના પુરાવા માગવામાં આવે, તેની સાથે થેલેસેમિયા છે કે નહીં તેનું માન્ય સર્ટિફિકેટ ફરજિયાત કરવું જોઇએ. રાજ્ય સરકારે લગ્નના રજિસ્ટ્રેશન માટે નોંધણી કરાવતા સમયે જ યુવક-યુવતીનું થેલેસેમિયા અંગેનું તબીબી સર્ટી. ફરજિયાત બનાવવા માટે વિચારણા કરી હતી. પરંતુ તત્કાલિન સમયે વિધાનસભાની ચૂંટણી આવતા તેની જાહેરાત કરી શકાઈ ન હતી. હવે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લગ્નનું રજિસ્ટ્રેશન થેલેસેમિયાનું તબીબી પરિક્ષણનું સર્ટી હશે તો જ નોંધણી કરાવી શકાશે.એવો કાયદો લાવશે. જો કે થેલેસેમિયાનો ટેસ્ટ સરકારી હોસ્પિટલોમાં વિના મુલ્યે કરવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, લગ્ન કરતા પુરુષ અને સ્ત્રીમાંથી કોઈ પણ એકને થેલેસેમિયા હોય તો તેવા દંપતીને થેલેસેમિયાવાળું બાળક જન્મે તેવી 25 ટકા શક્યતા હોય છે. પુરુષ અને સ્ત્રી બંને થેલેસેમિયા માઇનર હોય તો તેવા દંપતીને થેલેસેમિયા મેજર બાળક જન્મે તેવી 50 ટકા શક્યતા હોય છે. આવા બાળકનું આયુષ્ય ઓછું હોય છે.