નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલા લઘુમતી સમુદાયના મેડિકલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) એ સૂચિત પરીક્ષા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે નિષ્ણાત જૂથની રચના કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાચારિત લઘુમતી સમુદાયોના તબીબી સ્નાતકો કે જેઓ પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને અહીંની નાગરિકતા મેળવી છે, તેમને દેશમાં પ્રેક્ટિસ કરવા માટે કાયમી નોંધણી મેળવવાની મંજૂરી આપશે. આ પગલું તબીબી સ્નાતકો માટે આશાનું એક નવું કિરણ લઈને આવશે. જેઓ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા પછી કાયદેસર રીતે દેશમાં ડૉક્ટર તરીકે સેવા આપી શકતા નથી.
દાયકાઓથી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં હિન્દુ, શીખ, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં સ્થળાંતર કર્યા પછી ભારતીય નાગરિકતાની માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2021માં સંસદના શિયાળુ સત્ર દરમિયાન જણાવ્યું હતું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમો તરફથી ભારતીય નાગરિકતા માટે 8,244 અરજીઓ મળી હતી, જેમાંથી 3,117 સ્વીકારવામાં આવી છે.
વિદેશી યુનિવર્સિટીઓમાંથી મેડિકલ ડિગ્રી ધરાવતા ભારતીયો પણ FMGE ક્લિયર કર્યા પછી જ ભારતમાં પ્રેક્ટિસ કરી શકે છે. જો કે, પાંચ અંગ્રેજી બોલતા દેશો-યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ-ની અનુસ્નાતક ડિગ્રીઓ ભારતમાં માન્ય છે અને આ દેશોના તબીબી ડિગ્રી ધારકોએ પરીક્ષામાં હાજર રહેવું જરૂરી નથી.