Site icon Revoi.in

ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં મેડિકલ સ્ટુડન્ટસ જોડાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરીમાં વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ અને ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને જોડવાનો નિર્ણય કરાયો છે.

આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે રાજ્યની જુદી-જુદી મેડિકલ કૉલેજોમાં થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જેમની થિયરીની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષા બાકી છે તેઓની પ્રેક્ટિકલ પરીક્ષા હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા તમામ વિદ્યાર્થીઓએ કોવિડ ડ્યૂટી માટે ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનું રહેશે. જેમની થિયરીની પરીક્ષાઓ હાલમાં ચાલી રહી છે, તે પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. થર્ડ યર-ફાઇનલમાં અભ્યાસ કરતાં અને હાલ જેમની પ્રેક્ટિકલ પરીક્ષા ચાલી રહી છે, તેવા તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી કોવિડ ડ્યૂટીમાં જોડાવાનું રહેશે. એમબીબીએસ ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી અને આયુષ સહિતના તમામ થર્ડ યરના સિનિયર સ્ટુડન્ટ્સે આ કામગીરીમાં જોડાવાનું રહેશે.

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં બેટની પણ સુવિધાઓ વધારવામાં આવી રહી છે. બીજી તરફ કોરોના રસીકરણ અભિયાન પણ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ રસીકરણના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.