કેન્સર અને દુર્લભ રોગોની દવાઓ થઈ સસ્તી…લોકોને થશે ફાયદોઃ મનસુખ માંડવિયા
દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે જણાવ્યું હતું કે કેન્સર અને દુર્લભ રોગોની સારવારમાં વપરાતી દવાઓ સસ્તી થવાથી સામાન્ય લોકોને ફાયદો થશે. માંડવિયાએ એક ટ્વિટમાં કહ્યું કે દવાઓ પરના માલ અને સેવા કરમાં ઘટાડો કરવાથી ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થશે.
કેન્સર સંબંધિત દવાઓ, દુર્લભ રોગો માટેની દવાઓ અને વિશેષ તબીબી હેતુઓ માટે ખાદ્ય ઉત્પાદનો પરના GST દરને શૂન્ય કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણજીનો હૃદયપૂર્વક આભાર. ભારતમાં આરોગ્ય એ સેવા છે. આ નિર્ણયથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થશે.” ગઈકાલે GSTની બેઠકમાં મેડિકલ સંબંધિત ચાર વસ્તુઓ પર GST ઘટાડવામાં આવ્યો હતો અને કેન્સરમાં ઉપયોગી ત્રણ દવાઓ GST ફ્રી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 50મી બેઠક 11 જુલાઈએ દિલ્હીમાં યોજાઈ હતી. GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, ઘોડેસવારી અને કેસિનો પર 28% ટેક્સને મંજૂરી આપી છે. પહેલા તેના પર 18% ટેક્સ લાગતો હતો. આ સાથે ખાસ દવાઓ માટે ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. કેન્સરની દવાઓ પર IGST દૂર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
કેન્સરની દવા પર ટેક્સ મુક્તિની માંગ પણ કરવામાં આવી હતી. ફિટમેન્ટ કમિટીએ જણાવ્યું હતું કે દવાની કિંમત 26 લાખ છે અને જેના માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા નાણાં એકત્ર કરવામાં આવે છે તેને GSTના દાયરાની બહાર રાખવું જોઈએ. મંત્રી સમૂહે આ અંગે સહમતિ દર્શાવી હતી. હાલમાં આ દવા પર 12% GST વસૂલવામાં આવે છે.