Site icon Revoi.in

રાજકોટના GMSCLના વેરહાઉસમાં લાખો રૂપિયાની દવાનો જથ્થો પલળી ગયો

Social Share

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓને ગરીબ દર્દીઓ માટે મફતમાં દવાઓ, ઈન્જેક્શનો આપવામાં આવે છે. અને ગુજરાત મેડીકલ સર્વીસીસ કોર્પોરેશન લિમીટેડ (GMSCL) દ્વારા સરકારી હોસ્પિટલો અને સંસ્થાઓને દવાઓ સહિત તબીબી સાધનોનું વિતરણ કરવામાં આવે છે. રાજકોટના GMSCLના ગોદામમાં અધિકારીઓની લાપરવાહને લીધે લાખો રૂપિયાની દવાઓનો જથ્થો પળલી ગયો છે. જોકે આ મામલો પ્રકાશમાં આવતા સરકારે તપાસના આદેશ આપ્યા છે.

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા GMSCLના ગોડાઉનના અધિકારીઓની ઘોર બેદરકારીને લીધે સરકાર દ્વારા આપવામાં આવેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો ગોડાઉન બહાર રાખી દેતા પલળી ગયો છે. એક તરફ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે દવાનો સ્ટોક ન હોવાની સમસ્યાઓ સામે આવે છે. ત્યારે બીજી તરફ ચોમાસામાં પડેલાં વરસાદને કારણે ગોડાઉનની બહાર રાખેલો દવાનો જથ્થો પલળી જતા ગંભીર બેદરકારી સામે આવી છે. આ દવાની એક્સપાયરી ડેટ 2026 સુધીની હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે, આ બાબતે ત્યાંના કોઈ જ સત્તાવાર અધિકારીનું સામે નિવેદન આવ્યું નથી.

GMSCLના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જાહેર થયેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાત મેડીકલ સર્વીસીસ કોર્પોરેશન લિમીટેડ (GMSCL) દ્વારા રાજકોટ વેરહાઉસ ખાતેથી રાજકોટ, મોરબી અને જુનાગઢ જિલ્લાઓની આરોગ્ય સંસ્થાઓને દવાઓ સપ્લાય કરવામાં આવે છે. રાજકોટ વેરહાઉસ ખાતે પલળી ગયેલી દવાઓ તેમજ આઇટમો પૈકી મુખ્યત્વે પી.પી.ઇ. કીટનો સમાવેશ થાય છે. પી.પી.ઇ. કીટ પોલીપ્રોપીલીનમાંથી બનાવવામાં આવે છે. કોવિડ-19ના સમયગાળા દરમ્યાન થર્ડ વેવ માટે આગોતરા આયોજનના ભાગરૂપે વખતો વખતની ગાઇડલાઇનને ધ્યાને લઇ પી.પી.ઇ. કીટના બફર સ્ટોકની ખરીદી કરવામાં આવી હતી. આ જથ્થાના સપ્લાય માટે આરોગ્ય સંસ્થાઓને ડેપો ખાતેથી ફાળવણી કરવામાં આવી હતી પરંતુ, તેઓ દ્વારા હાલ જરૂરીયાત ન હોવાનું જણાવેલ જેથી આ જથ્થો ડેપો ખાતે રાખવામાં આવ્યો હતો.

સૂત્રોના કહેવા મુજબ GMSCL દ્વારા ભાવકરાર ધારક પેઢીઓને દવાઓના તાજેતરમાં આપવામાં આવેલો ખરીદ આદેશ પૈકીનો જથ્થો ડેપો ખાતે સપ્લાય કરવામાં આવ્યો હતો. ડેપો ખાતે મળેલો દવાઓના સંગ્રહ માટે જગ્યાના કારણોસર પી.પી.ઇ. કીટનો જથ્થો બહાર ગેલેરીના ભાગમાં બોકસમાં પેક કરી મુકવામાં આવ્યો હતો પરંતુ વધુ વરસાદના કારણે બોકસ ભિંજાઇ જતાં બોકસ તુટી જવા પામેલ છે. પલળી ગયેલા આઉટર બોકસને બદલી અન્ય બોકસમાં જથ્થો તબદીલ કરી યોગ્ય જગ્યાએ ડેપોમાં સંગ્રહ કરવા ડેપો મેનેજર- રાજકોટને સુચના આપવામાં આવી છે. પી.પી.ઈ કિટના પલળી ગયેલા જથ્થાની નિષ્કાળજી બાબતે વડી કચેરી ખાતેથી આ અંગે વધુ જરૂરી તપાસ કરી અહેવાલ રજુ કરવા ટીમ મોકલવામાં આવશે. તેમજ જવાબદાર કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.