અમદાવાદઃ ગુજરાતનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અંદાજિત રૂ. 910 કરોડ, વડોદરામાં રૂ. 561.45 કરોડ, સુરતમાં રૂ.204.70 કરોડ, જામનગરમાં રૂ. 864.17 કરોડ અને ભાવનગરમાં રૂ. 1003.99 આમ અંદાજિત કુલ રૂ. 3544.45 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ફેસિલીટીથી સજ્જ મેડિસિટી નિર્માણ પામી રહી છે.
જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મ જાત બાળકોના ખોડખાપણને લગતા રોગો, વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર આપવામાં આવશે. વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે હૃદય , કિડની, આંખને લગતા રોગની સારવાર અપાશે. નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે હૃદય,કિડની મૂત્રાશયના રોગ, મગજ અને જ્ઞાનતંતુના રોગોનું નિરાકરણ આવશે. જી.જી. હોસ્પિટલ જામનગર ખાતે હૃદય રોગ, મૂત્રાશયના રોગો, પ્લાસ્ટીક સર્જરી, પેટના રોગોની સારવાર થશે. જ્યારે સર ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે હૃદય અને લોહીની નસોના રોગો, કિડની, મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ બનશે.
રાજ્યની જનતાને આરોગ્ય લક્ષી યોગ્ય સુવિધાઓ મળી રહે તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યની અંતરિયાળ વિસ્તારમાં રહેલા લોકોને પણ નજીકમાં હોસ્પિટલની સુવિધા મળી રહે તે માટે હોસ્પિટલો ઉભી કરવામાં આવી રહી છે. મેડિસિટી નિર્માણથી જનતાને ગંભીર બીમારીની સારવાર માટે દૂર જવાની જરૂર નહીં પડે.