મેરઠઃ પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી, મુસાફરોની સમયસૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી
નવી દિલ્ગીઃ મેરઠના દૌરાલામાં એક મોટી દુર્ઘટના ટળી હતી સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી અને લોકો સમયસર ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેનમાંથી ઉછળતી આગના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પેસેન્જર ટ્રેનના બે ડબ્બા અને એન્જિનમાં આગ લાગ્યા બાદ બાકીના કોચને અલગ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન મુસાફરોએ આખી ટ્રેનને આગની લપેટમાં આવતી બચાવવા માટે ધક્કો મારી તેને દૂર ધકેલી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેન દૌરાલા રેલ્વે સ્ટેશન પહોંચી હતી, દૌરાલા રેલ્વે સ્ટેશન પહોંચે તે પહેલા જ 2 કોચ અને એન્જીનમાં આગ લાગી હતી ત્યારબાદ ટ્રેનને દૌરાલા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આગને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભય ફેલાયો હતો તેમજ તેઓ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. આ દરમિયાન મુસાફરોએ સમજદારી દાખવી અને રેલવે કર્મચારીઓની સાથે મળીને ટ્રેનના અન્ય કોચને આગના ડબ્બામાંથી બહાર કાઢીને ગંતવ્ય સ્થાને આગળ ધકેલ્યા હતા, આ રીતે ટ્રેનના અન્ય ડબ્બા આગની ઝપેટમાં આવતા બચી ગયા.
પેસેન્જર ટ્રેનમાં આગ લાગ્યાની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી.