લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં આજે સાબુ બનાવતી ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આખી ઈમારત ધરાશયી થઈ ગઈ હતી. દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા કેટલાક શ્રમજીવીઓ ઈમારતના કાટમાળ નીચે દબાયાં હતા. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મેરઠના લોહિયાનગર વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં સાબુની ફેકટરી ધમધમતી હતી. દરમિયાન આજે આ ફેક્ટરીમાં અચાનક ભેદી સંજોગોમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. તેમજ ફેક્ટરીની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જ્યારે આસપાસની કેટલીક ઈમારતોને પણ નુકશાન થયું હતું. બ્લાસ્ટને પગલે ફેક્ટરીની ઈમારત ધરાશાયી થતા અંદર કામ કરતા શ્રમજીવીઓની ચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.
આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, તેમજ રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચેથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યાં હતા. જ્યારે કેટલાક શ્રમજીવીઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. બચાવ ટીમ દ્વારા કાટમાળ નીચેથી 12થી વધારે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાંથી સાબુ બનાવવાની મશીનરી અને સાબુનો સ્ટોક મળ્યો હતો. જો કે, સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, અહીં સાબુ બનાવવાની આડમાં અંદર ફટાકડા બનાવવામાં આવી રહ્યાં હતા. જિલ્લાના ઉચ્ચ અધિકારી પણ સ્થળ પર દોડી ગયા હતા. જિલ્લા કલેક્ટરે અહીં ફટાકડાની ફેકટરી હોવાનો ઈન્કાર કર્યો હતો.