ભોપાલઃ મેરઠમાં ગેંગસ્ટર અને ગેરકાયદે માંસ ફેક્ટરી ચલાવવાના આરોપમાં જેલમાં બંધ હાજી યાકુબની સંપત્તિ પર ટૂંક સમયમાં બુલડોઝર ફેરવવામાં આવશે. પૂર્વ મંત્રી હાજી યાકુબ કુરેશી અને તેના બે પુત્રો ઈમરાન અને ફિરોઝને જેલના સળિયા પાછળ ધકેલ્યા બાદ પોલીસ હવે તેમની અબજો રૂપિયાની મિલકત જપ્ત કરવાની તૈયારી શરૂ કરી છે. તંત્ર દ્વારા યાકુબની સંપત્તિની સંપૂર્ણ વિગતો એકત્રિત કરી છે.
યાકુબની સંપત્તિની સંપૂર્ણ વિગતો તૈયાર કરવામાં આવી છે. પોલીસે યાકુબની માલિકીના લક્ઝરી વાહનો વિશે પણ માહિતી એકઠી કરી છે. ટૂંક સમયમાં તેમની મિલકતો પર બુલડોઝર ચલાવવાની તૈયારીઓ શરૂ કરાશે.
એસએસપી રોહિત સિંહએ જણાવ્યું હતું કે, હાજી યાકુબ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ પછી જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે. યાકુબ કુરેશીને મેરઠ જિલ્લા જેલમાંથી સોનભદ્ર જેલમાં, ફિરોઝને સિદ્ધાર્થ નગરમાં, ઈમરાન કુરેશીને બલરામપુરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
બલરામપુરના એસપી કેશવ કુમારએ જણાવ્યું હતું કે, ઈમરાનને હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. બલરામપુર જેલમાં ફતેહગઢના વિપુલ રાઠોડ સહિત અનેક ગુનેગારો છે. ઈમરાનને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે.
સિદ્ધાર્થ નગર જેલના સુપ્રિટેન્ડેન્ટ અભિષેક ચૌધરીએ કહ્યું કે ફિરોઝને પણ ઉચ્ચ સુરક્ષા બેરેકમાં રાખવામાં આવ્યો છે. કુખ્યાત યોગેશ ભદૌરા સહિત ઘણા ગુનેગારો સિદ્ધાર્થનગર જેલમાં બંધ છે. યાકુબ કુરેશીને સોનભદ્ર જેલમાં હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. કુખ્યાત સુંદર ભાટી પણ આ જેલમાં બંધ છે. નાદુરસ્ત તબિયતના કારણે યાકુબની જેલ પરિસરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયને દૂરની જેલમાં ખસેડવામાં આવ્યા છે. યાકુબના એડવોકેટ હરિઓમ શર્માએ જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોડક્શન કરવામાં આવશે.