CM યોગી અને મુકેશ અંબાણી વચ્ચે મુલાકાત, UPમાં રોકાણ કરવા યોગીએ આમંત્રણ આપ્યું
મુંબઈઃ ઉત્તરપ્રદેશ સરકાર પોતાના રાજ્યમાં ઉદ્યોગોને લાવવા માટે કામગીરી કરી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈ ગયા હતા. જ્યાં તેઓ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન યોગીએ મુકેશ અંબાણીને ઉત્તરપ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણીએ બુકેથી સીએમ યોગીનું સ્વાગત કર્યું હતું.
યોગીએ કહ્યું હતું કે, મે નિર્ણય કર્યો છે કે પ્રદેશમાં મૂડી રોકાણ માટે ઉદ્યોગપતિઓને મળીને અપીલ કરીશ. જેથી મુંબઈ આવ્યો છે અને તેના પોઝિટિવ પરિણામ મળી રહ્યાં છે. રોકાણકારો તરફથી હકારાત્મક જવાબ મળી રહ્યો છે. આ પહેલા એક કાર્યક્રમમાં સીએમ યોગીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં કોઈ ચિંતા વિના ઉદ્યોગ ઉભા કરી શકે છે. આજની તારીખમાં અમારા ત્યાં માનવીય હસ્તક્ષેપ ઝીરો છે. કોઈ આપના કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરે, આપ તમામને આમંત્રિત કરવામાં આવે છે. સુરક્ષાની પુરી જવાબદારી સરકાર લેશે. સીએમ ઓફિસ આપના રોકાણ ઉપર નજર રાખશે અને કોઈ પ્રકારની અડચણ ઉભી નહીં થાય.
સીએમ યોગીના મુંબઈ પ્રવાસ દરમિયાન તેઓ અભિનેતા અક્ષય કુમારને પણ મળ્યાં હતા. આ દરમિયાન અક્ષય કુમારે સીએમને કહ્યું હતું કે, યુપીમાં ફિલ્મસિટીને લઈને ભારતીય સિનેમા જગતમાં અનેરો ઉત્સાહ છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની ફિલ્મ સિટી પરિયોજના વૈશ્વિક માનકોને અનુરૂપ હશે. રાજ્યમાં નવી ફિલ્મ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે.