રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલીશન કરાશે, ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળશે
રાજકોટઃ શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર જંગલેશ્વરમાં ટીપીના 50 ફુટના રોડ પર રહેલા દબાણો હટાવીને માર્ગ ખુલ્લો કરવાની વિચારણા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. હવે ઘણા સમય બાદ શહેરના વોર્ડ નં.16ના સૌથી જુના વિસ્તાર એવા જંગલેશ્વરમાં સર્વે પૂરો થયા બાદ સ્થાનિકોને નોટીસ આપવાની કાર્યવાહી શરુ થશે. ત્યારબાદ જંગલેશ્વરમાં દબાણો દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સોરઠીયાવાડી ચોકથી સીધા ચંપકભાઇ વોરા બ્રીજ મારફત ભાવનગર રોડ તરફ જવાય છે. જ્યાં ડિમોલીશન થશે તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે
રાજકોટ મ્યુનિ,કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, હાલ આજી રીવરફ્રન્ટ પ્રોજેકટને પૂર્ણ કરવામાં અડચણ ઊભી થઈ રહી છે. કેટલા દબાણ ખડકાયેલા છે એ અંગે શહેરમાં સર્વે કરવામાં આવી રહ્યો છે, સર્વે પૂર્ણ થયા બાદ ડિમોલિશન કરવામાં આવશે. હાલના તબક્કે અંદાજિત 300-400 જેટલા મકાનો હટાવવામાં આવશે પણ સર્વે બાદ જ ચોક્કસ તારણ આવશે કેટલા સ્થળો પર અને કેટલા મકાન પર ડિમોલિશન કરવામાં આવશે.
મ્યુનિ કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા મુજબ શહેરના જંગલેશ્વરના 15 મીટરના ટીપી રોડ પર વર્ષો જુના 500 જેટલા મકાન આવેલા છે. આ પૈકી મોટા ભાગના મકાનોના આગળના ભાગ રોડ પર ઉતરેલા છે તો અમુક મકાનો પુરેપુરા રોડ પર ખડકાયેલા છે. ભુતકાળમાં આ દબાણો હટાવવાના સર્વે થયા હતા ત્યાર બાદ તાજેતરમાં ટાઉન પ્લાનીંગ શાખાએ ફાઇનલ સર્વે શરૂ કર્યો હતો. ટીપી અધિકારીઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરીને કપાતમાં આવતા મકાનો પર માર્કિંગ પણ કરવામાં આવ્યા છે. આ રસ્તો દોઢ કિ.મી.ની લંબાઇનો છે. જે સીધો નિલકંઠ સિનેમા પાછળ મેહુલનગર ટચ થાય છે. ત્યાંથી આ માર્ગ સીધો કોઠારીયા રોડને જોડાઇ જશે. આ દોઢ કિ.મી.ના રસ્તામાં લગભગ અર્ધો કિ.મી. પણ રસ્તો પુરેપુરો ખુલ્લો નથી. 50 ફુટનો આ માર્ગ ખુલ્લો થાય એટલે વાહન વ્યવહાર માટેનો મોટો રસ્તો ખુલશે. ભાવનગર રોડ તરફથી બ્રીજ વટીને ડાબી તરફ જંગલેશ્વર મારફત સીધા કોઠારીયા રોડ તરફ જઇ શકાય તેમ છે. આ ડિમોલીશન થાય એટલે સોરઠીયાવાડી ચોકનું આ તરફનું ટ્રાફિકનું ભારણ પણ હળવું થવાની આશા છે. હાલ ટીપીના રોડ પર 500 જેટલા મકાનો દેખાઇ રહ્યા છે. કેટલી કેટલી કપાત આવે તે સહિતનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના જંગલેશ્વરના બીજી તરફના ભાગે જ વિશાળ આજી નદીનો પટ આવેલો છે. આજી રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે આ નદી પટના દબાણો ધીમે ધીમે દુર કરવામાં આવી રહ્યા છે. યોજનાના મુખ્ય ભાગમાં નદી પટ વિસ્તારમાં જ 6 હજારથી વધુ કાચા પાકા મકાનો આવેલા છે. આ સૌથી મોટા ડિમોલીશન માટે પણ મ્યુનિ.ની ટીપી શાખાએ વહીવટી પ્રક્રિયા શરૂ કરી છે. આ ડિમોલીશન જયારે થાય ત્યારે પરંતુ જંગલેશ્વરના વિસ્તારમાં પણ 500 જેટલા મકાનો હટાવવાની તૈયારી શરૂ થઇ છે.