અમદાવાદઃ ગુજરાત ATS અને GST વિભાગે સંયુક્ત ઓપરેશનમાં શનિવારે સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર સહિત 150 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ સંયુક્ત ઓપરેશનમાં ટેક્સ ચોરી અને આંતરાષ્ટ્રીય માર્ગોથી નાણાની લેવડ-દેવડની તપાસ કરવામાં આવી રહી છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ગુજરાતમાં 71.88 કરોડ રૂપિયાની વિક્રમી જપ્તી કરી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની સૂચના પર સુરક્ષા એજન્સીઓએ ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું અને ચૂંટણીની જાહેરાતના થોડા જ દિવસોમાં ગુજરાતમાં રૂ. 71.88 કરોડની મતા જપ્ત કરી છે. 2017માં વિધાનસભા ચૂંટણી દરમિયાન હાલના સમયગાળામાં 27.21 કરોડની જપ્તી કરવામાં આવી હતી.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે મુંદ્રા પોર્ટ પર ‘ઈમ્પોર્ટ કાર્ગોમાં મિસ-ડિકલેરિંગ અને છુપાવીને’ દાણચોરી કરીને 64 કરોડ રૂપિયાના રમકડાં અને માલસામાનની મોટા પાયે જપ્તી કરાઈ છે. EC અનુસાર, આ કેસમાં મુખ્ય કાવતરાખોર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાતમાં સામાન્ય રીતે સત્તાધારી ભાજપ અને તેની હરીફ કોંગ્રેસ પાર્ટી વચ્ચે સામસામે મુકાબલો થતો હોય છે, પરંતુ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ચૂંટણી મેદાનમાં પ્રવેશને લઈને આ મુકાબલો ત્રિકોણીય થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.