• ડેપ્યુટી કલેક્ટર પોલીસ કાફલા સાથે દબાણો હટાવવા પહોંચ્યા,
• 100 પાકા મકાનો તોડવા 9 જેસીબીને કામે લગાડ્યા,
• સાથણીની જમીન કરતા વધુ દબાણો કરી જમીનો ભાડે આપી દીધી હતી
ભાવનગરઃ જિલ્લાના અલંગમાં દરિયા કાઠા વિસ્તારમાં શિપિંગ બ્રેકિંગ માટે ફાળવેલા પ્લોટ્સની આજુબાજુ થયેલા કાચા-પાકા મકાનોના ગેરકાયદે દબાણો દુર કરવા માટે આજે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ગૌચર અને સરકારી જમીન પર ખડકાયેલા 100 મકાનોના ડિમોલીશન કરવા ડે.કલેકટર મોટા પોલીસ કાફલા સાથે 9 જેટલા જેસીબી અને બુલડોઝર સાથે પહોંચ્યા હતા, કાનુની વિવાદ વચ્ચે દબાણો હટાવવા મેગા ઓપરેશન શરૂ કરાતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. કુલ 100 મકાનો તોડવા 9 જેસીબી સહિતના સાધનો સાથે આ કામગીરી શરૂ કરી હતી, જ્યારે 150થી વધુ પ્લોટમાંથી દબાણો સ્વૈચ્છિક રીતે પણ હટાવી લેવાયા હતા.
ભાવનગર જિલ્લામાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં સરકારી અને ગૌચરની જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. દબાણકારોને જગ્યા ખાલી કરવાની નોટીસ બાદ જેના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.છતાંયે દબાણો સ્વૈચ્છિક હટાવ્યા નહતા. અલંગ મણાર ગામની ગૌચરણ અને સરકારી પડતર જમીન પર ત્રણેક દાયકાથી જે લોકોએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો હતો. જ્યાં કાચા પાકા મકાનો કે ધંધા રોજગાર માટે અનુકૂળ બાંધકામ કરવામાં આવ્યુ હતુ તેવા લોકોને સ્વૈચ્છિક રીતે ખાલી કરવાની નોટિસો બાદ આપવામાં આવી હતી. અને વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા બાદ દબાણકર્તાઓ રાજકીય ઓથ લેવા દોડી પડ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે કેટલાક દબાણકારોએ ગીતાંજલી ચોકડીથી લઈ યાર્ડ સુધીના આશરે 150 પ્લોટ્સમાં પડેલો માલ સ્વૈચ્છીક રીતે હટાવી લીધો હતો. અલંગ મણાર એક સમયે સયુંકત ગ્રામ પંચાયત હોય અહીં ગૌચરણની જમીન પર આશરે એકસોથી વધુ પાકા મકાનો બની ગયા છે.આ મકાનને ગ્રામ પંચાયત પાણી કે વેરા પહોંચ આપતી ન હોવા છતાંય કેટલાક મકાનો તો લાખ્ખો ની કિંમતના બનાવી નાખ્યા છે.