જામખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુ વિસ્તારમાં શનિવારે વહેલી સવારથી રાજયના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જુદા જુદા જિલ્લાના મોટા પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં મોટું સંવેદનશીલ ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તોડતા પૂર્વે રાત્રીથી જ કેટલાક શખ્સોને પોલીસ ઉપાડીને અજ્ઞાત સ્થળે લઇ ગઇ હતી અને બેટ દ્વારકામાં લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. અને મોટાપાયે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બેટ દ્વારકામાં સૌથી મોટા ડિમોલીશન મામલે જિલ્લા અને પોલીસ તંત્રએ કોઇ સત્તાવાર માહિતી આપી નથી પરંતુ લોકોની અવરજવર બંધ કરવા સાથે ગામમાં સોંપો પડી ગયો છે અને પત્રકારોને પણ પ્રવેશબંધી ફરમાવી દેવાતા હવે સરકાર કક્ષાએથી જ સતાવાર માહિતી જાહેર કરવામાં આવશે તેવું માનવામાં આવે છે. સંદેશા વ્યવહારથી કોઇ તનાવ ન ફેલાવાઇ તે માટે ઝામર પણ મુકી ગામમાં પ્રવેશબંધી જેવો માહોલ બની ગયો છે. પ્રાથમિક મળેલી વિગતો પ્રમાણે જિલ્લાનું સૌથી મોટું ડિમોલીશન સાગરકાંઠે શરૂ થયું છે. ટીયર ગેસ, હથિયારો સાથે પોલીસના ધાડેધાડ ખડકાઇ ગયા છે. વિશ્વ વિખ્યાત તીર્થસ્થાન દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારના કેટલાક વિસ્તારોમાં સરકારી જમીન ઉપર વ્યાપક દબાણો થયા હોવાની બાબતના અનુસંધાને અહીંના પોલીસ તંત્ર સહિતના સરકારી તંત્ર દ્વારા લાંબી પ્રક્રિયા બાદ શનિવાર સવારથી ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે “ચકલું ન ફરકી શકે” તેવી પોલીસની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તાર એવા બેટ દ્વારકામાં કેટલાક સ્થળોએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ ખડકી દેવામાં આવ્યા છે. જેના અનુસંધાને આ વિસ્તારની આંતરિક તથા દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દબાણ હટાવવા માટેનું ઓપરેશન ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ રેન્જ આઈ.જી.ના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ માટે છેલ્લા કેટલાક દિવસ થયા ઊંડાણપૂર્વકનો અભ્યાસ તથા જરૂરી કામગીરી કર્યા બાદ શનિવારે સવારથી બેટ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઓપરેશન મેગા ડિમોલિશન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આશરે 1000 જેટલા પોલીસ સ્ટાફને અશ્રુ સેલ, હથિયાર તથા લાકડી સાથે સુરક્ષા બંદોબસ્ત પર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈમરજન્સી સિવાય ફેરીબોટ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી હોવા ઉપરાંત સ્થાનિક લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. માત્ર બેટ દ્વારકા જ નહી પણ ગીરસોમનાથના કોસ્ટલ એરિયામાં પણ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોસ્ટલ બેલ્ટ પર લેન્ડિંગ પોઈન્ટ નજીક ના ગેરકાયદે બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવી છે. લેન્ડિંગ પોઈન્ટ નજીક ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે.