ઉત્તરકાશી નજીક નિર્માણાધિન ટનલ ધસી પડતા ફસાયેલા 40 શ્રમિકોને બચાવવા મેગા ઓપરેશન,
દહેરાદૂનઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 12 નવેમ્બરના રોજ સવારે 4 વાગ્યે એક નિર્માણાધિન ટનલમાં એકાએક માટી ધસી પડતા 40 જેટલાં શ્રમિકો ટનલમાં ફસાયા છે. અને છેલ્લા 80 કલાકથી માટી હટાવીને ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાના પ્રયોસો કરવામાં આવી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL), NDRF, SDRF, ITBP, BRO અને નેશનલ હાઈવેની 200થી વધુ લોકોની ટીમો 24 કલાક કામ કરી રહી છે. પાઈપ દ્વારા શ્રમિકોને ઓક્સિજન, ખોરાક, પાણી અને દવાઓનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને ડંડલગાવ વચ્ચે નિર્મણાધિન ટર્નલમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા.ત્યારે એકાએક માટી ધસી પડતા 40 જેટલા શ્રમિકો ટર્નલમાં ફસાયા હતા. આ બનાવ દિવાળીની વહેલી સવારે બન્યો હતો. ચારધામ પ્રોજેક્ટ હેઠળ આ ટનલ બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને ડંડલગાવ વચ્ચે બનાવવામાં આવી રહી છે. ટનલમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા છેલ્લા 80 કલાકથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તમામ શ્રમિકો સુરક્ષિત છે. તેમને પાઈપ દ્વારા ઓક્સિજન, ખોરાક, પાણી અને દવાઓનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ટનલમાં ફસાયેલા શ્રમિકો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના છે. નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL), NDRF, SDRF, ITBP, BRO અને નેશનલ હાઈવેની 200થી વધુ લોકોની ટીમો બચાવ કામગીરીમાં જોતરાયેલી છે. રેસ્ક્યુ ટીમે મંગળવારે સ્ટીલની પાઈપો દ્વારા કામદારોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ માટે, ઓગર ડ્રિલિંગ મશીન અને હાઇડ્રોલિક જેકની મદદથી, ટનલની અંદર 35 ઇંચ વ્યાસની સ્ટીલ પાઇપ નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં સફળતા મળી ન હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ બચાવ કામગીરીમાં સેનાના જવાનોની પણ મદદ લેવામાં આવી છે. સેના તેમના ભારે મશીનો વડે ડ્રિલિંગનું કામ કરશે. આર્મીનું કાર્ગો પ્લેન હર્ક્યુલસ બપોર સુધીમાં મશીન સાથે ચિન્યાલીસૌર હેલિપેડ પર ઉતરશે. અહીંથી મશીનને સિલ્કિયારા લાવવામાં આવશે. સોમવારે રાત્રે સિલ્ક્યારા ટનલમાં બચાવ કાર્ય અવરોધાયું હતું. DGP અશોક કુમારે મીડિયાને જણાવ્યું કે, કુદરતી કારણોસર બચાવ કાર્ય ધીમી પડી ગયું છે. એરફોર્સની મદદથી હેવી ઓગર ડ્રિલિંગ મશીન લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે બચાવ કાર્યને ઝડપી બનાવશે.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, ઝારખંડના 15, ઉત્તર પ્રદેશના 8, ઓડિશાના 5, બિહારના 4, પશ્ચિમ બંગાળના 3, ઉત્તરાખંડના 2, આસામના 2 અને હિમાચલ પ્રદેશના એક કામદાર ટનલની અંદર ફસાયેલા છે. બચાવ કાર્ય જોવા આવેલા સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું- તમામ કામદારો સુરક્ષિત છે, વોકી-ટોકી દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. ખોરાક અને પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે બચાવ કાર્યને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ધામીએ કહ્યું હતું કે, અમે દરેક ક્ષણે બચાવ કામગીરીની માહિતી લઈ રહ્યા છીએ. આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલય દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. ઉત્તરાખંડ સરકારે ઘટનાની તપાસ માટે છ સભ્યોની સમિતિની રચના કરી છે. કમિટીએ પણ તપાસ શરૂ કરી દીધી છે.