કોરોના રસીકરણને ઝડપી બનાવવાની પ્રકિયા,આસામમાં 22 નવેમ્બરથી શરૂ થશે મેગા વેક્સિનેશન અભિયાન
- આસામ સરકાર મેગા રસીકરણ અભિયાન કરશે શરૂ
- 22 થી 29 નવેમ્બર સુધી રહેશે શરૂ
- ચૂંટણી પ્રક્રિયાની જેમ બૂથ બનાવીને લગાવાશે રસી
દિસપુર: કોરોના વાયરસના રસીકરણને ઝડપી બનાવવા માટે આસામ સરકાર એક સપ્તાહ મેગા રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 22 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ પાત્ર લોકોને વહેલામાં વહેલી તકે રસી આપવાનો છે. તમામ મંત્રીઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ મેગા રસીકરણ અભિયાનમાં ભાગ લેશે. આસામના આરોગ્ય મંત્રી કેશવ મહંતાએ કહ્યું કે,આ મેગા અભિયાન ચૂંટણી જેવું હશે, જેમ કે તમામ મતદાન કેન્દ્રો પર સરકારી અધિકારી કે સરકારી કર્મચારી તૈનાત કરવામાં આવે છે.
અહેવાલ અનુસાર, મહંતાએ કહ્યું, “આ એક સપ્તાહનું મેગા રસીકરણ અભિયાન 22 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ચાલશે. રાજ્ય કેબિનેટે તેને શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અમે રસીકરણ અભિયાન માટે ચૂંટણી પ્રક્રિયામાં અનુસરવામાં આવનારી પદ્ધતિ અપનાવવાનું આયોજન કરી રહ્યા છીએ. અમે તમામ મતદાન મથકો પરથી મતદાર યાદી લઈને આ મેગા અભિયાન ચલાવીશું.
તેમણે કહ્યું, “મુખ્યમંત્રીથી લઈને મુખ્ય સચિવ અને તમામ મંત્રીઓ તેમના નિયુક્ત મતદાન કેન્દ્રો માટે જવાબદાર રહેશે. તેઓ પોલિંગ બૂથ હેઠળના દરેક ઘરે જશે અને રસી લીધેલા લોકો અને અન્ય લોકોનો ડેટા એકત્રિત કરશે. હાલ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ સમગ્ર રાજ્ય સરકાર મેગા રસીકરણ અભિયાન હેઠળ સામેલ થશે.