અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા વિશમ સ્થિતિ ઊભી થવાના એંધાણ વર્તાય રહ્યા છે. ત્યારે સામવારથી બુધવાર સુધીમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે કેટલાક હવામાન નિષ્ણાતો તો એવું કહી રહ્યા છે, કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. અને ભાદરવો મહિનો પણ ભરપુર રહેશે. આથી હવે ગુજરાતમાં સારા વરસાદની આશા ખેડુતો રાખી રહ્યા છે.
સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં વરસાદ ખેંચાયો હોવાથી કૃષિ ક્ષેત્ર પર સંકટની સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આવતા ચાર દિવસ દરમિયાન દેશના આઠ રાજયોમાં હળવો-ભારે વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતમાં પણ મંગળ-બુધ છુટાછવાયા-વ્યાપક વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે આવતા ચાર-પાંચ દિવસ દરમ્યાન ઓડીશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છતીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં છુટોછવાયો, હળવો, વ્યાપક વરસાદ થઈ શકે છે.
ઓડીશા, આંધ્રપ્રદેશમાં 28-29 ઓગષ્ટ તથા તેલગાણા, છતીસગઢ, ઝારખંડ, વિદર્ભ, મધ્યપ્રદેશમાં 28થી31 ઓગષ્ટ સુધી વરસાદ શકય છે. ગુજરાતમાં 30 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર દરમ્યાન વરસાદ થવાની સંભાવના છે. આ દરમ્યાન મરાઠાવાડા, ઉતરીય મહારાષ્ટ્ર તથા ઉતરીય કોંકણમાં 31 ઓગષ્ટે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અંતરીયાળ કર્ણાટક, તામીલનાડુ તથા કેરળમાં ત્રણ દિવસ ભારે વરસાદ થવાની શકયતા વ્યક્ત થઈ છે.
હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે ઉતરપશ્વિમ બંગાળની ખાડીમાં સાયકલોનિક સરકયુલેશનના પ્રભાવ હેઠળ ઉતર પશ્વિમી તથા તેને લાગુ પશ્વિમ મધ્યમ બંગાળની ખાડીમાં લો-પ્રેસર ઉદભવ્યું છે તેને સંલગ્ન સાયકલોનિક સરકયુલેશન દક્ષિણ તરફ ઝુકે છે. ચોમાસુ ધરીનો પુર્વ છેડો નોર્મલ પોઝીશનના દક્ષિણે છે અને સતના, ઝારસુગુડા થઈને લો-પ્રેસર સુધી લંબાઈ છે. આવતા 4-5 દિવસ સુધી ચોમાસુ ધરી નોર્મલ પોઝીશનમાં જ રહેવાની શકયતા છે.