અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા સરકાર પણ ચિંતિત બની હતી. પણ જન્માષ્ટમીના દિનથી મેધરાજાથી પુનઃ પધરાણી થઈ છે. ખેડુતો સાથે સરકારને પણ રાહત થઈ છે. આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 56 તાલુકામાં ઝાંપટાથી લઈને 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગામમાં 10 ઈંચ, વાપીમાં 4 ઈંચ, કપરાડામાં બે ઈંચ, પારડી, ખેરગામ અને વધઈમાં એક ઈંચ તથા બાકીના તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. દરમિયાન આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી ત્રણ સપ્ટેંબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે ગુરૂવારે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોએ થોડો રાહતનો દમ લીધો છે.
સૌરષ્ટ્રમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચોમાસુ પાક સુકાઈ રહયો છે ત્યારે આજે સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસુ સક્રિય થાય તેવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં સુસ્ત રહેલું ચોમાસુ ફરી સક્રિય થવાના સંજોગો આજે વધુ ઉજળા બન્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે,આવતીકાલથી વરસાદની ગતિવિધિઓ ખાસ કરીને દક્ષિણ,ઉત્તર ગુજરાતમાં વધશે અને તા.31 અને 1 સપ્ટેમ્બર એટલે કે મંગળવાર અને બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે તીવ્ર પવન વંટોળિયા સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો છે, આમ સમગ્ર ચોમાસાની સિઝનના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58 ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ વરસવાનો સિલસિલો આ વર્ષે જળવાયો નથી. આ વખતે ઓગસ્ટના 28 દિવસમાં માત્ર 2 ઈંચ જ વરસાદ વરસ્યો છે જેની સામે ગત વર્ષે 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વર્ષ-2019માં પણ 17.29 ઈંચ જેટલો વરસાદ માત્ર ઓગસ્ટ માસમાં જ વરસ્યો હતો. રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.