નડિયાદઃ મધ્ય ગુજરાતમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. ખેડા જિલ્લામાં રવિવારે બપોરે મુશળધાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ મહેમદાવાદ પંથકમાં ખાબક્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોકે આ વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. સમગ્ર જિલ્લામાં 6 કલાકની અંદર સાડા ચાર ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે કાળાડીંબાંગ વાદળો ઘેરાતાં બપોરે મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. સાર્વત્રિક વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આ સાથે તમામ તાલુકાઓ નડિયાદ, ખેડા, મહુધા, વસો, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ, માતર, ગળતેશ્વર, કઠલાલમાં ક્યાંક ઝરમર તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો છે.
જિલ્લાના મહેમદાવાદમાં સવારે 10થી 12 ના સમયગાળામાં 22 એમ.એમ વરસાદ પડ્યો હતો. તેમજ બપોરે ટાણે મેઘરાજાએ સમગ્ર જિલ્લામાં સવારી કરી હતી. જેમાં કપડવંજમાં 9 એમ.એમ., ખેડામાં 18 એમ.એમ., નડિયાદમાં 19 એમ.એમ., મહુધામાં 4 એમ.એમ., માતરમાં 7 એમ.એમ, મહેમદાવાદમાં 35 એમ.એમ. અને વસોમાં 4 એમ.એમ વરસાદ વરસ્યો હતો. જ્યારે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યાના વરસાદી આંકડા તરફ નજર કરીએ તો કઠલાલમાં 48 એમ.એમ., કપડવંજમાં 28 એમ.એમ, ખેડામાં 67 એમ.એમ, ગળતેશ્વરમાં 5 એમ.એમ., ઠાસરામાં 4 એમ.એમ., નડિયાદમાં 6 એમ.એમ., મહુધામાં 18 એમ.એમ., મહેમદાવાદમાં 60 એમ. એમ., માતરમાં 52 એમ. એમ. અને વસોમાં 6 એમ.એમ વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર જિલ્લામાં મહેમદાવાદ પંથકમાં 6 કલાકની અંદર સાડા ચાર ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે સમગ્ર જિલ્લામાં થઈને સરેરાશ પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ખેડાના યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પહેલા વરસાદમાં જ ડાકોર પાલિકાની પોલ ખુલી ગઈ છે. દર વર્ષની માફક આ વર્ષે પણ મંદિર બહાર વરસાદી પાણી ભરાયા હતા. એક બાજુ રવિવાર હોવાથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તો બીજી તરફ વરસાદના કારણે લોકોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કાયમી ધોરણે અહીંયા ચાલુ વરસાદમાંજ પાણી ઓસરી જાય તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમદાવાદ-વડોદરા સુપર હાઇવે પર ડભાણ પાસે રવિવારે બપોરે એક ઘટાદાર વૃક્ષ હાઈવે પર પડી ગયું હતું. ધોધમાર વરસાદના કારણે વર્ષો જૂનું ઘટાદાર વૃક્ષ એકાએક પવનની ઝપેટમાં આવી જમીનદોસ્ત થયું છે. આ વૃક્ષ અમદાવાદથી વડોદરા તરફ જવાના માર્ગ પર પડતાં તાત્કાલિક બાજુની હોટલના કાચા રસ્તા પર વાહનોને ડાયવર્ટ કરાયા હતા. જેના પગલે અહીંયા વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી.