અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન જામનગરના કાલાવાડ, લોધિકા અને વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. તેમજ અનેકગામોનો સંપર્ક સપાયો છે. બીજી તરફ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરના કલેકટર સાથે વાત કરીને જરૂરી સુચન કર્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત લકોને સલામત સ્થળે ખસેડવા માટે એરલિફ્ટની કવાયક શરૂ કરાઈ છે.
જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં છે. મુખ્યમંત્રી તથા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે.
વરસાદને પગલે બેરાજા ગામમા ઘરોમાં પાણી ભરાયા છે. જામનગરના નાઘુના ગામમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. અલિયાબાડા ગામમાં ઢોર પાણીમાં તણાયા છે. ગામના રસ્તાઓ પર જાણે કે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અલિયાબાડા ગામ ખાતે ગળાડૂબ પાણી છે. ગામના લોકોએ આખી રાત ધાબા પર વિતાવી હતી. સોમવારે સવારે વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી અને ગામના 25થી વધારે લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. સવારે છ વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે કે ચાર કલાકમાં કાલાવડ તાલુકામાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ધોરાજીમાં છ ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં છ ઇંચ વરસાદ પડ્યો છે.