Site icon Revoi.in

ગુજરાતમાં મેઘમહેરઃ અમદાવાદમાં ધોધમાર વરસાદ, 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળ છાયુ રહ્યું છે અને ધોધમાર ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાધારણ રહી હતી અને ઓગસ્ટ મહિના સુધી સિઝનનો કુલ ૧૪.૩૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સ્થિતિમાં વરસાદની 45 ટકાથી વધુ ઘટથી ચિંતાના વાદળો ઘેરાઇ ગયા હતા. જોકે, સપ્ટેમ્બર માસના 26 દિવસમાં જ 14 ઈંચ જેટલા વરસાદ સાથે હવે વરસાદની ઘટ 11 ટકા જેટલી જ રહી છે.  અત્યારસુધી વલસાડમાં 84.60 ઈંચ સાથે સૌથી વધારે અને 14.80 ઈંચ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ સિવાય ઉમરગામમાં 90.07 ઈંચ, વાપીમાં 84 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 47.42 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છ જિલ્લામાં 15.25 ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ છે.

ગુજરાતમાં મેઘમહેર ચાલુ રહી છે જેમાં ગઈકાલે રવિવારે 40તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના મોડાસા, ભિલોડા, શામળાજી, મેઘરજ અને ધનસુરા સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ધનસુરામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.