અમદાવાદઃ રાજ્યમાં વરસાદનો માહોલ જામ્યો છે. દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 58 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 6 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ કચ્છ ઝોનમાં 104.09 ટકા વરસાદ વરસ્યો હતો.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 24 કલાક દરમિયાન બોડેલી તાલુકામાં 103 મિ.મી. વરસાદ નોંધાયો હતો જ્યારે, વાઘોડિયામાં 91 મિ.મી., કુકરમુંડામાં 89 મિ.મી, વડોદરામાં 85 મિ.મી, સંખેડામાં 83 મિ.મી અને તિલકવાડામાં 80 મિ.મી મળી પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત પાદરા તાલુકામાં 67 મિ.મી, કપરાડામાં 65 મિ.મી, ચોટીલામાં 63 મિ.મી, ડેડીયાપાડામાં 61 મિ.મી, આણંદમાં 60 મિ.મી અને નાંદોદમાં 51 મિ.મી એમ મળી કુલ 6 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે 19 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં બે કલાકમાં 44 મિ.મી, સંતરામપુરમાં 39 મિ.મી, કડાણામાં 36 મિ.મી, ફતેપુરમાં 32 મિ.મી, મોરવા હડફમાં 27 મિ.મી, શહેરામાં 26 મિ.મી અને પેટલાદમાં 24 મિ.મી એમ મળી કુલ સાત તાલુકાઓમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 58.32 ટકા જેટલો નોંધાયો હતો. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 104.09 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 74.17 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 57.77 ટકા, પૂર્વ ગુજરાતમાં 47.02 ટકા અને ઉત્તર ગુજરાતમાં 32.65 ટકા વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.