Site icon Revoi.in

મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી, આજે બપોર સુધીમાં 4 તાલુકામાં પડ્યા ઝાપટાં

Social Share

અમદાવાદઃ શિયાળાના આગમનને 22 દિવસ બાકી રહ્યા છે. ત્યારે મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી. આજે બપોર સુધીમાં ડાંગના વઘઈ,  દાહોદ, સુરતના મહુવા, અને તાપીના સોનગઢમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા, જ્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાંયુ રહ્યું હતું. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવ4 મળી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 15 જિલ્લાના 54 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં સૌથી વધુ ડાંગના આહવામાં 4 ઈંચ, સુરતના ઉંપરપાડામાં 3 ઈંચ, ભરૂચના નેત્રંગમાં એક ઈંચ તેમજ બાકીના 51 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. આમ કેટલાક વિસ્તારોમાં  નવરાત્રિના પર્વમાં વરસાદ વિલન બન્યો છે. છ નોરતા શાંતિમય પસાર થયા બાદ હવે સાતમા નોરતાથી વરસાદની એન્ટ્રી થઈ છે. સાતમા નોરતે 54 તાલુકામાં વરસાદ ત્રાટક્યો હતો.  કેટલાક જિલ્લામાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવે બાકીના નોરતા સો ટકા બગડવાના છે. કારણ કે, આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના કહેવા મુજબ  અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર સક્રિય થયું છે. લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ભેજ આવશે. આગામી ત્રણ  દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.  આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું હતું કે, નવરાત્રિમાં 12 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે. 17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.