અમદાવાદઃ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી હોવાની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત તાજેતરમાં કરી હતી. પરંતુ મેઘરાજાને ગુજરાતની મહેમાનગતિ ગમી ગઈ હોવાથી વિદાય લેવાનું નામ લેતા નથી. ગુરૂવારે રાજ્યના કેટલાક જિલ્લામાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, વડોદરા, નર્મદા સહિત અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. રાજ્યના 70 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં પંચમહાલના મોરવાહરફમાં ત્રણ ઈંચ, તથા આણંદ, દેવગઢ બારિયામાં બે ઈંચ, તેમજ હાલોલ, ઉમરેઠ, કાલોલ, જાંબુઘોડા, બાલાસિનોર, ગોધરા, ઘોઘંબા, બોરસદ, અને મહેમદાવાદમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં પણ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અને અનેક વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. શહેરના શાહપુર, ઘીકાંટા, દરિયાપુર, હાટકેશ્વર, મણીનગર, સોલા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો.
રાજ્યમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે વરસાદના ઝાપટાં પડ્યા હતા. ગુરૂવારે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે, મોડી સાંજે ફરી એકવાર અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. શહેરના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્ર્વર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવો પડી રહ્યો છે. બીજી બાજુ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ પૂર થવાની સત્તાવાર જાહેરાત બાદ આસોમાં અષાઢી માસનો માહોલ છવાયો છે. શહેરના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઇશનપુર, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, નિકોલ અને ઓઢવ સહિતના વિસ્તારમાં વરસાદના ઝાપટાંથી લોકોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. સાંજના 6.30 વાગ્યાના અરસામાં અચાનક વરસાદ વરસતા ખરીદી કરવા માટે નીકળેલા લોકો રસ્તામાં અટવાયા હતા. જ્યારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. 7 અને 8 ઓક્ટો.એ દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લીધે વરસાદની સંભાવના છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લીધે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ રહેશે.