વલસાડઃ જિલ્લામાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 6 ઈંચ વરસાદ પડ્યા હતો ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી.
ગુજરાતમાં સોમવારે 75 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગાંમ તાલુકામાં નવ ઈંચ, વલસાડ અને વાપીમાં 4 ઈંચ, અને પારડીમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં રવિવારની રાત્રિથી મેઘમહેર ચાલુ થઈ હતી જે સોમવારે પણ યથાવત જોવા મળી હતી. સોમવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં સુધીમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં નવ ઈંચ, વાપી અને વલસાડમાં 4 ઈંચથી વધુ, પારડીમાં 3 ઈંચ, તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ જિલ્લાના બરવાળામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે લોકોએ ગરમીમાં રાહત મેળવી હતી અને યુવાનો તથા બાળકોએ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.
વલસાડ,વાપી અને ઉંમરગામ અને પારડીમાં ભારે વરસાદને લીધે રસ્તા ઉપર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદ પડતાની સાથે ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં નગરપાલિકા તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થળ નિરીક્ષણ કરવા દોડી આવ્યો હતો. અને મોગરાની માળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો જેને લઇ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વાપીમાં રેલવે અંડરપાસ વરસાદી પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.
વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા વરસાદને લઈને મુંબઈ અમદાવાદ હાઇવે ઉપર પારડી બ્રિજ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસના જવાનો તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં જોતરાઈ ગયા હતા.. વલસાડ જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકાધીઓની સાથે બેઠક યોજી જિલ્લામાં પ્રથમ વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને લઈને મુંબઇ અમદાવાદ માર્ગ પ્રભાવિત થયો હતો. પારડી પંથકમાં પડી રહેલા વરસાદને લઈને વાપી વલસાડ હાઇવે ઉપર વલ્લભ આશ્રમ શાળા પાસે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેને લઈને માત્ર 1 માર્ગ ચાલુ રહેતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. IRB દ્વારા કરવી જોઈતી કામગીરી પારડી પોલીસના જવાનોએ કરવાની ફરજ પડી હતી. વાહન ચાલકોએ પારડી પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી હતી.
વલસાડ શહેરમાં સવારથી બપોરે 4 વાગ્યા સુધીમાં પડેલા 4 ઇંચ વરસાદને લઈને વલસાડ શહેરમાં આવેલા ઇસ્ટ રેલવે યાર્ડ અને મુલ્લાવાડી વિસ્તારમાં એક ઝાડ ધરાશય થયું હતું. મુલ્લાવાડી ગાર્ડન પાસે લીમડાનું ઝાડ ધરાશઈ થતા નજીકમાં આવેલા 2 મકાનોમાં નુકસાની થઈ હતી. જ્યારે નજીકમાં પાર્ક કરેલી 4 મોટર સાઈકલો ઝાડ નીચે દબાઈ જવાથી ભારે નુકસાની થઈ હતી. જ્યારે ઇસ્ટ રેલવે યાર્ડ વિસ્તારમાં પણ એક ઝાડ પડતા તેના નીચે બાઈક દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ વલસાડ નગર પાલિકાની ફાયર વિભાગની ટીમને થતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડ કાપવાની કામગીરી હાથ ધરી હતી.