અમદાવાદઃ ગુજરાતમાં હવે ચોમાસાની એન્ટ્રી થઈ હોય તેમ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુરના ક્વાંટમાં વરસાદ વરસ્યો હતો. શીત લહેરો સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી હતી. મહત્વનું છે કે હવામાન વિભાગે 11 જૂન સુધીમાં છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે. તો,બીજી તરફ પશ્ચિમથી દક્ષિણ -પશ્ચિમના ગરમ પવનના કારણે પવનની ગતી ઘટી છે અને ફરી અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં ગરમીમાં વધારો થયો છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 43 જયારે લઘુત્તમ તાપમાન 30 ડીગ્રી નોંધાયું હતું. તો અન્ય 9 શહેરોનું તાપમાન 40 ડીગ્રીથી વધુ નોંધાયું હતું.
કાળઝાળ ગરમી વચ્ચે ડાંગના સાપુતારામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારે સાંજે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. વરસાદને કારણે શીત લહેર ફરી વળતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મેઘરાજાની પધરામણી થતા જ વીકેન્ડમાં ટુરિસ્ટોની અવરજવર વધી રહી છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ અને ડાંગમાં વરસાદ ખાબક્યો હતો અનેક લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. દરમિયાન અમદાવાદની જનતા આતંરતાથી વરસાદની રાહ જોઈ રહી છે.