પીડીપી ચીફ મહબૂબા મુફ્તિએ ક્હ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પહેલ હ્રદયને સ્પર્શી જાય છે, જ્યારે મોદી સરકારમાં મુસ્લિમ નામવાળા સ્મારકો અને જૂના શહેરોને હિંદુ નામ આપી રહી છે.
પીડીપી ચીફ મહબૂબા મુફ્તિએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વખાણ કર્યા છે. પાકિસ્તાનના એક વન ક્ષેત્રનું નામ ઈમરાનખાનની સરકારે શીખ પંથના સંસ્થાપક ગુરુ નાનક દેવ પર રાખ્યું છે. ઈમરાન ખાનની સરકારના આ પગલાના વખાણ કરવાની સાથે જ મહબૂબા મુફ્તિએ મોદી સરકાર પર પ્રાચીન શહેરોના નામ બદલવા અને રામમંદિર પર તેમના વલણ સંદર્ભે નારાજગી વ્યક્ત કરી છે.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે સમય કેવી રીતે બદલાઈ રહ્યો છે, કેન્દ્રની ટોચની પ્રાથમિકતા ઐતિહાસિક શહેરોના નામ બદલવા અને રામમંદિર નિર્માણ માટે પ્રતીત થાય છે. જ્યારે બીજી તરફ, એ વાત દિલને સ્પર્શી જાય છે કે પાકિસ્તાનના વડાપ્રધાને બાલોકી વન ક્ષેત્રનું નામ ગુરુનાનક દેવજી પર રાખ્યું છે અને તેમના નામ પર એક યુનિવર્સિટી બનાવવા માટે પગલું ઉઠાવ્યું છે.
મહબૂબા મુફ્તિએ કહ્યું છે કે મુસ્લિમ નામવાળા સ્મારકો અને જૂના શહેરોને હિંદુ નામ અપાઈ રહ્યા છે. મંદિર બનાવવાની દોડ છે. ગૌરક્ષાના નામ પર મુસ્લિમોને મારી નાખવામાં આવે છે, કાર્યવાહી કરવાના સ્થાને સરકાર પીડિતોને જ મધ્યપ્રદેશની જેમ એનએસએ હેઠળ જેલોમાં નાખી દે છે. હિંદુત્વના નામે રાજનીતિ થઈ રહી છે.
મહબૂબા મુફ્તિના આરોપોનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યુ છે કે નરેન્દ્ર મોદીનું નામ લેવા અથવા ભારતની આંતરીક બાબતો સંદર્ભે વાત કરવાના સ્થાને પાકિસ્તાન પાસે કોઈ અન્ય એજન્ડા નથી. પાકિસ્તાનનું નેતૃત્વ નવા પાકિસ્તાન સંદર્ભે વાત કરી રહ્યું છે. પરંતુ કોઈ નવી વાત નથી. જમ્મુ-કાસ્મીરમાં એવા કેટલાક નેતાઓ છે કે જે ભારત સંદર્ભે કંઈપણ સારું જોઈ શકતા નથી. પરંતુ પાકિસ્તાન સંદર્ભે ચિંતિત છે.
મહત્વપૂર્ણ છે કે મોદી સરકારમાં ઘણાં શહેરોના નામ બદલવામાં આવ્યા છે. તેમા મુગલસરાય, અલ્હાબાદ, ગુડગાંવ, મેવાતના નામ સામેલ છે. તેના સિવાય સરકાર અને ભાજપ બંને રામમંદિર નિર્માણને લઈને પોતાની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ તમામ સ્થાનો પર કરી રહ્યા છે.
ઈમરાન ખાને કર્યું હતું એલાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક સમારંભમાં કહ્યુ હતુ કે બાલોકી વન ક્ષેત્ર અને નાનકાના સાહિબમાં એક નવી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે અને તેનું નામ બાબા ગુરુ નાનકના નામ પરથી રાખવામાં આવશે. પાકિસ્તાન તેના તમામ નાગરિકોનું છે અને તેઓ એ સુનિશ્ચિત કરશે કે ગુરુનાનક દેવજીની 550મી જયંતી માટે શીખ શ્રદ્ધાળુઓની યાત્રા સુગમ રહે.