અમદાવાદઃ મહેસાણા નગર પાલિકાએ 7 કરોડથી વધુ નહીં ભરનારી એક કંપનીના ચાર ચાર્ટડ પ્લેન જપ્ત કરાયાં હતા. આ પ્લેનની આગામી દિવસોમાં હરાજી કરવામાં આવશે. નગરપાલિકા હસ્તક એરોડ્રામનો 7 કરોડથી વધુનો બાકી વેરો વસૂલવામાં આવશે. રાજ્યમાં કદાચ પ્રથમવાર પ્લેનની હરાજી થશે. આ કંપની વિમાન ઉડાડવાની તાલીમ આપતી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર એક કંપનીએ મહેસાણા નગરપાલિકા હસ્તકના હવાઈ મથકનો ભાડા કરાર સાથે 2008થી પ્લેનની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી. પરંતુ સમયાંતરે કંપની વેરો નહી ભરી શકતા કંપનીના 4 પ્લેન, એક હેંગર, 1 ગાડી સહિત ઓફિસ સાથે સામાનને સીલ કરી હતી. કંપની દ્વારા વેરો ભરવામાં નહીં આવતા નગરપાલિકાએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. મહેસાણા નગરપાલિકાએ વેરાની વસુલાત માટે ચાર ચાર્ટર પ્લેનની હરાજીનો નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં પણ મહેસાણા નગરપાલિકા દ્વારા હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ વ્યક્તિઓએ આ હરાજીમાં પ્લેન સહિતનો સમાન ખરીદવા માટે ડિપોઝીટ પણ ભરી હતી. જો કે, બાદ હરાજીની પ્રક્રિયાને મુલત્વી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.