મહેસાણાઃ જિલ્લાની ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ એપીએમસીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. મહેસાણા જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 10 બેઠકો પર 11 ફેબ્રુઆરી એટલે કે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હોત. મતદાન બાદ આજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં સત્તાધારી ભાજપનો વિજય થયો છે અને બળવાખોર બે ઉમેદવારોનો કારમે પરાજય થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા માર્કેટયાર્ડની કુલ 16 બેઠકોમાંથી ખરીદ-વેચાણની બે બેઠકો અને વેપારી વિભાગની કુલ 4 બેઠકો અગાઉથી જ બિનહરીફ થઇ હતી ત્યારે ભાજપના જ બે બળવાખોરના કારણે ખેડૂત વિભાગની કુલ 10 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મેન્ડેડ વાળા તમામ 10 ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી થયા છે. જ્યારે બળવાખોર બે ઉમેદવારનો કારમો પરાજય થતા જિલ્લા ભાજપે તમામ વિજેતા ઉમેદવારોને શુભકામના સાથે ખુશી વ્યક્ત કરી હતી
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ શાસિત મહેસાણા માર્કેટયાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ફરી સત્તા મેળવી છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાના વરિષ્ઠ આગેવાન ચેરમેન અને વા.ચેરમેનના પત્તા કાપ્યા હતા. આથી આ ચુંટણી મહત્ત્વની ગણાઈ રહી હતી. મહેસાણા APMCની ચૂંટણી માટે 30 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો 31 જાન્યુઆરીએ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અને 3જી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પરત ખેચી લેવાની તારીખ હતી. મહેસાણા APMC માટે મતદાન યોજાયા બાદ મતગણતરી સાથે પરિણામ જાહેર કરાયુ હતું. ખેડૂત વિભાગમાં 609 મતદાર, વેપારી વિભાગમાં 118 મતદાર અને ખરીદ વેચાણ વિભાગમાં 99 મતદારો હતા.