વિરમગામ-અમદાવાદ વચ્ચે કાલે સોમવારથી મેમુ ટ્રેન નિયમિત દોડશે
અમદાવાદઃ પશ્વિમ રેવલે દ્વારા અમદાવાદ-વિરમગામ વચ્ચેની મેમુ ટ્રેન આવતીકાલ તા. 1લી નવેમ્બરને સોમવારથી દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ મેમુ ટ્રેન ફરી શરૂ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ડિવિઝનલ મેનેજરને રજુઆત કરી હતી.. લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં લઇ રેલવે તંત્ર દ્વારા મેમું ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે,1લી નવેમ્બરને સોમવારથી રેલવે તંત્ર દ્વારા અમદાવાદ -વિરમગામ વચ્ચે મેમુટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારથી શુક્રવાર સાંજે 18:30 કલાકે અમદાવાદથી ઉપડશે. વિરમગામ 20:10 કલાકે પહોંચશે. સોમવારથી શનિવાર દરમિયાન વિરમગામ થી સવારે 07:50 કલાકે ઉપડશે અને સવારે 09:55 કલાકે અમદાવાદ પહોંચશે. અગાઉ વિરમગામ -વલસાડ વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેન ના સમયથી લોકો નો લાભ મળતો થશે.
ચુંવાળ પંથકના લોકોની વર્ષો જૂની માંગ મુજબ આ ટ્રેનને મહેસાણા સુધી લંબાવવામાં આવે તેવી ચુંવાળ પંથક વાસીઓ ની માંગ ઉઠવા પામી છે. જેથી મહેસાણા તરફથી વહેલી સવારે વિરમગામ અને અમદાવાદ તરફ જવા માટે લોકોને એક વધુ રેલ સુવિધા મળતી થાય અને સાંજના સમયે અમદાવાદ -વિરમગામથી મહેસાણા તરફ જવા માટેની વધુ રેલ સુવિધા લોકોને મળતી થાય. વર્ષો અગાઉ સવારે અને રાત્રિના સમયે મહેસાણા -વિરમગામ વચ્ચે ટ્રેન દોડતી હતી. આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ, સાણંદ, છારોડી, અને જખવાડા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.