અમદાવાદઃ શહેરમાં રવિવારે એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી, જેમાં હવે રાજ્યના મહિલા અને પુરુષ ખેલાડીને એક સરખું જ સન્માન મળશે. આગામી સમયમાં ઓલમ્પિક આવે તે પહેલા રાજ્ય સરકાર દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો.
ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનનો અભિવાદન સમારંભ અમદાવાદમાં રવિવારે યોજાયો હતો, આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી જેમાં મહિલા ખેલાડી અને પુરૂષ ખેલાડીને હવે સરખુ સન્માન મળશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે પહેલા જ્યારે પણ કોઈ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાતી તો પુરુષને અલગ રકમ સન્માન અને મહિલાને અલગ સન્માન અપાતું હતું પણ હવેથી કોઈ ખેલાડી કોઈ સ્પર્ધા જીતે તો બંનેને સરખું સન્માન આપવામાં આવશે. આ સમારંભમાં BCCIના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડન્ટ જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઓલિમ્પિક રમતોત્સવમાં મુળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે કોઇપણ મેડલ વિજેતા તેમજ એશિયાન ગેમ્સના સુવર્ણપદક વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-1 અધિકારી તરીકે નિમણુંક અને એશિયાન ગેમ્સમાં સિલ્વર અથવા બ્રોન્ઝ મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-2 અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવે છે. આ સિવાય સરકારમાં થતી ગૃપ-સીની કુલ ભરતીમાં લાયક ખેલાડીઓ માટે બે ટકા અનામત રાખવામાં આવે છે.
ઓલિમ્પિક ગેમ્સ ગોલ્ડ મેડા લિસ્ટને 5 કરોડ આપવામાં આવે છે. સિલ્વર મેડાલિસ્ટને 3 કરોડ આપવામાં આવે છે, બ્રોન્ઝ વિજેતાને 2 કરોડ રુપિયા આપવામાં આવે છે. એશિયાન ગેમ્સ વિજેતા ખેલાડીઓને ક્રમશ પ્રથમ નંબર પર 1 કરોડ, ત્યારબાદ સિલ્વર મેડાલિસ્ટને 1 કરોડ અને બ્રોન્ઝ મેડાલિસ્ટને 25 લાખ રુપિયા આપવામાં આવે છે. ડબલ્સ જેવી ઇવેન્ટમાં અથવા બે ખેલાડીઓની ટીમમાં વિજેતા થનારને વ્યક્તિગત રોકડ પુરસ્કારની 50 ટકા રકમ અને ટીમ ઇવેન્ટમાં વ્યક્તિગત રોકડ પુરસ્કારની 33 ટકા રકમ આપવામાં આવશે.