દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન વર્ષ 1962ના યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. ચારધામ હાઈવે પરિયોજના હેઠળ રસ્તા પહોંલા કરવાની કામગીરી સામે થયેલી અરજીની સુનાવણીમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, અમે 1962ની જેમ બેદરકાર ના રહી શકીએ. આ મુદ્દો ચારધામ તીર્થયાત્રિકોથી વધારે સેનાની જરૂરિતોનો છે. ચીન દ્વારા પ્રાથમિક સુવિધાઓ તૈયારી કરી લીધી છે અને 1962 જેવા યુધ્ધને ટાળવા માટે સેનાને પહોળા અને સારા રસ્તાની જરૂર છે.
સરકારે કોર્ટને કહ્યું કે, ઋષિકેશથી ગંગોત્રી, ઋષિકેશથી માના અને તનકપુરથી પિથૌરાગઢ જેવા માર્ગો તો દહેરાદૂન તથા મેરઠની આર્મી કેમ્પને ચીનની સીમા સાથે જોડે છે. આ કેમ્પ ઉપર મિસાઈલ લોન્ચર અને હેવી આર્ટિલરી ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, આર્મીને ગમે તેવી આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવુ પડે છે અને અમે 1962ની જેમ સૂતા રહેવા નથી માંગતા.
ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ સુર્યકાંત અને ન્યાયમૂર્તિ વિક્રમ નાથની બેંચ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત રહેલા અટોર્ની જનરલ કેકે વેણુગોપાલએ કોર્ટમાં કહ્યું કે, તાજેતરમાં ભારત-ચીન સીમા ઉપર જે થઈ રહ્યું છે તે જોવા આર્મીને સારા માર્ગોની જરૂર છે. તેમણે કોર્ટને કહ્યું કે, સરહદની બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરાઈ છે ચીન ત્યાં સતત એરસ્ટ્રિપ, હેલીપેડ, રોડ, રેલવે લાઈન જેવી સુવિધાઓ તૈયાર કરી રહ્યું છે. માર્ગ અને પરિવહન વિભાગ 900 કિમી લાંબો માર્ગ બનાવી રહ્યું છે. જે ચારધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને જોડે છે.