નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગતિ પકડી છે અને સોમવારે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના વધુ ભાગોમાં આગળ વધ્યું. આગામી ચાર-પાંચ દિવસમાં તે સમગ્ર ભારતને આવરી લે તેવી શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે સમગ્ર ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
સોમવારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેને જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના વધુ ભાગોમાં આગળ વધ્યું છે. હાલમાં તે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, દક્ષિણ પંજાબ અને દક્ષિણ-પશ્ચિમ હરિયાણા સિવાય દેશના મોટાભાગના ભાગોને આવરી લે છે. આગામી ચાર-પાંચ દિવસમાં તે સમગ્ર ભારતને આવરી લેશે. તેમણે કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં પણ વરસાદની સંભાવના છે.