- દક્ષિણ ભારતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન
- પૂર્વ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી
નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ જામ્યું છે, દરમિયાન હવામાન વિભાગે ગુજરાત અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત પૂર્વ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ સાબદુ બન્યું છે.
દેશના અલગ અલગ રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતથી નોર્થ ઈસ્ટમાં ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. હવામાન વિભાગે ઓડિશા, ગુજરાતમાં ભારે વરસાદને એલર્ટ આપ્યું છે. તો પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં આવતીકાલે ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ ભારતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે. ઓડિશામાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી પૂર્વ ભારતમાં વરસાદની સાથે આંધી, તોફાનનો દોર શરૂ થઈ શકે છે. IMDએ પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી મધ્યમ વરસાદની સાથે પવન પણ ફૂંકાવાની આગાહી કરી છે.
બીજી તરફ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જો કે, સપ્ટેમ્બર મહિનામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. દરમિયાન હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ વિસાવદરમાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો.