Site icon Revoi.in

ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલી નવી સિસ્ટમને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે રાજ્યના મોટાભાગના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બનસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, મહીસાગર માં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાથે-સાથે દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો બીજો રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે.

અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળ છાયું રહ્યું હતું તેમજ હળવા વરસાદના ઝાપટા પડ્યાં હતા. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદની હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી.