દિલ્હીઃ- ટ્વિટરે પેઈડ સર્વિસ શરુ કરી ત્યારથી મેટાને લઈને પણ અટકળો સામે આવી રહી હતી ત્યારે હવે જો તમે પણ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. મેટાએ તેના બે મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ફી આધારિત બનાવવાનો નિર્ણય કર્યો છે એટલે કે તમારે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે પૈસા ખર્ચવા પડશે.
મેટાએ હાલમાં યુરોપ માટે આ નિર્ણય લીધો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મેટાએ જાહેરાત અને પ્રાઈવસીને લઈને યુરોપિયન યુનિયનના સતત દબાણ વચ્ચે આ નિર્ણય લીધો છે. કંપની ભારતમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેઇડ વર્ઝનને પણ લોન્ચ કરી શકે છે, જો કે આ વિશે સ્પષ્ટ માહિતી હજી ઉપલબ્ધ નથી.
આ સહીત એવું કહેવામાં આવી રહ્યું છે કે યુરોપિયન યુનિયન દેશોના વપરાશકર્તાઓ માટે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બે સેવાઓ હશે, જેમાંથી એક ચૂકવણી કરવામાં આવશે અને બીજી મફત હશે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેઇડ સેવાઓ લેનારા વપરાશકર્તાઓને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો બતાવવામાં આવશે નહીં. ફ્રી વર્ઝન પહેલાની જેમ જાહેરાતો સાથે કામ કરશે.
જો કે મેટાએ હજુ સુધી તેના નિર્ણય અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. પેઇડ વર્ઝન માટે યુઝર્સ પાસેથી કેટલા પૈસા લેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. આ સિવાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંનેનો ઉપયોગ એક જ પેઇડ સર્વિસ હેઠળ કરી શકાશે અથવા બંને માટે અલગ પ્લાન લેવા પડશે.