નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીનો ગરમાવો વધ્યો છે. બીજી તરફ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારત સહિતના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. એટલું જ નહીં ચાલુ વર્ષે ઉનાળો વધારે આકરો બને તેવી શકયતા છે. બીજી તરફ બેંગ્લોર સહિતના શહેરોમાં ઉનાળાના ગરમીમાં પાણીની સમસ્યા વધારે વિકટ બની છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી જૂન મહિના સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે આપણે એપ્રિલથી જૂન વચ્ચે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. 19 એપ્રિલથી દેશમાં સાત તબક્કાની સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ રહી છે. જે રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે તેમાં ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે આ હીટ વેવ બાદ ચોમાસું સામાન્ય રહેશે અને સારો વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાવીને પગલે લોકોને સાબદા રહેવા પણ સૂચના આપવામાં આવી છે.
ઉત્તરભારત સહિતના રાજ્યોમાં સવારના 10 વાગ્યા પછી આકાશમાંથી કાળઝાળ ગરમી પડે છે. જેથી બપોરના સમયે લોકો કામ વગર ઓફિસ કે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે આ વર્ષે અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે. જેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરમીનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી છે. પીએમઓ અનુસાર, આ બેઠકમાં આવશ્યક દવાઓ, આઈસ પેક, ORS અને પીવાના પાણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.