Site icon Revoi.in

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં સાયકલોનિક સર્કયુલેશન સક્રિય થયું છે. 24 કલાક દરમિયાન દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત, નવસારી,  વલસાડ , દમણ અને  દાદરાનગરમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના મોસમ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની આ સિઝનમાં અત્યારસુધી સરેરાશ 20 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 29 ટકા વરસાદ નોંધાયો છે. તો કચ્છમાં 25 અને દક્ષિણ ગુજરાતમાં 21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે.

જુનાગઢ પંથકમાં વરસી રહેલ અવિરત વરસાદથી મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. તો દ્વારકાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખંભાળિયા અને કલ્યાણપુરમાં  વરસાદ અને ભારે પવનના કારણે અનેક વીજપોલ ધરાશાયી થયા છે. હર્ષદ-કલ્યાણપુર વચ્ચેના એક પુલમાં ભારે નુકશાન થયું છે. ખંભાળિયા તાલુકામાં સિઝનનો કુલ 27 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં 13 થી 14 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઇ રહી છે. ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેમમાં પાણીની સપાટી ત્રણ ફૂટ ઓછી નોંધાઈ છે. હાલ ડેમમાં સતત પાણીની આવકને કારણે એક સપ્તાહમાં એક ફૂટનો વધારો નોંધાઈ રહ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાનના અત્યારસુધીના સાતેય તબક્કાઓ મળીને ગુજરાતમાં પાણીની સંગ્રહક્ષમતામાં  1લાખ 19 હજાર 114 લાખ ઘનફૂટથી વધુનો વધારો થયો છે.