હવામાન વિભાગે ગુજરાત સહિત આ 3 રાજ્યોમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી
દિલ્હી – દેશભરમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહરાષ્ટ્ર માટે આગામી ત્રણ દિવસ માટે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશ માટે, 27 નવેમ્બર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. આ સાથે ગુજરાતમાં 26મી નવેમ્બર માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
આજરોજ શુક્રવારે, હવામાન વિભાગે જણાવ્યું હતું કે 25 થી 27 નવેમ્બર સુધી ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં ઘણા સ્થળોએ ભારે વાવાઝોડા સાથે હળવા, મધ્યમ વરસાદ અને ભારે વરસાદની સંભાવના છે.
તો બીજી તરફ દક્ષિણ મહારાષ્ટ્રમાં તોફાનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે અને તે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ કારણે શુક્રવારે દક્ષિણ મહારાષ્ટ્રમાં તોફાનની ગતિવિધિ શરૂ થશે. જેના કારણે 25 અને 26 નવેમ્બરે રાજ્યભરમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.