- કડકડતી ગરમીથી ટૂંક સમયમાં મળશે રાહત
- આગામી 24 કલાકમાં અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના
- હવામાન વિભાગની આગાહી
દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે, કારણ કે આગામી 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત, તમિલનાડુના આંતરિક ભાગો અને કેરળમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ થવાની સંભાવના છે.21 અને 22 એપ્રિલે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારના પૂર્વીય ભાગો સાથે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આંધી અને હળવો વરસાદ થવાની સંભાવના છે.હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ હિમાલય પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે,ગુજરાતના દક્ષિણ ભાગો, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંતરિક કર્ણાટક, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડાની સંભાવના છે. દેશના ઘણા ભાગોમાં પ્રિ-મોન્સુન ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને તાપમાન કેટલાક અંશે સાધારણ રહી શકે છે.આગામી 24 કલાક દરમિયાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, મધ્યપ્રદેશના ભાગો, વિદર્ભ અને ઝારખંડના અલગ-અલગ સ્થળોએ હીટવેવની સ્થિતિ શક્ય છે અને તે પછી તે ઘટી શકે છે.
કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન કર્ણાટક અને કેરળના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટોછવાયો ભારે વરસાદ થયો હતો.આંતરિક તમિલનાડુ, તટીય કર્ણાટક, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ઉત્તરપૂર્વ ભારત, લક્ષદ્વીપ અને દક્ષિણ છત્તીસગઢના બાકીના ભાગોમાં હળવો વરસાદ થયો. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના અલગ-અલગ ભાગોમાં ગંભીર ગરમીના મોજાની સ્થિતિ પ્રવર્તી રહી છે.