ભારતમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતદ સહિત સમગ્ર દેશમાં ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. જો કે, ઉત્તર ભારતમાં કેટલાક શહેરોમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન હવે આગામી નૈઋત્વ ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ચોમાસાની શરૂઆત ધમાકેદાર થશે અને અંતિમ ભાગમાં નોર્મલ સ્થિતિ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ચોમાસા માટે પેસીફીક મહાસાગરનું ઠંડુ વાતાવરણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ વખતે પણ પેસીફીક મહાસાગરનું વાતાવરણ ઠંડુ જ છે અને લા-નીના સીસ્ટમ સર્વોચ્ચ સ્તરે છે. નવા ચોમાસાની શરૂઆત ધમાકેદાર થશે અને અંતિમ ભાગમાં નોર્મલ સ્થિતિ રહેશે. જો કે અમુક ભાગોમાં વતા ઓછા પ્રમાણમાં વરસાદ પડશે. ચોમાસા પર ગત વર્ષે પણ લા-નીનાનો પ્રભાવ જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભે લા-નીનાની સકારાત્મક અસર રહેશે. સરેરાશ કરતા વધુ કે અત્યધિક વરસાદની શકયતા જણાતી નથી. ભારતીય અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે કૃષિ આધારીત અર્થતંત્રને નોર્મલ ચોમાસાથી જોર મળી શકે છે. તેમજ નોર્મલ ચોમાસુ અર્થતંત્રને નવી રફતાર આપી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગત ચોસામામાં 100 ટકા વધારે વરસાદ વરસ્યો હતો. જેથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. તેમજ જળસ્તર પણ ઉંચા આવ્યાં હતા.