અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ક્મોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે.
રાજયમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની શક્યતા છે. જયારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર સહિત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમેરલી અને રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર, ખેડા, પંચમહાલ સહિતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત બપોર થતા જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. કમોસમી વરસાદથી તુવેર, ઘઉં, રાયડો, મકાઈ જેવા પાકને નુકસાન થવાની સંભાવના જણાતા ખેડૂતોને પાકનું ધ્યાન રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતિએ જણાવ્યું હતું કે, બે દિવસ બાદ રાજયમાં વાતાવરણ સૂકું રહેશે.