દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં પેટ્રોલના ભાવમાં જોરદાર વધારો થવા વાહન ચાલકોના ખિસ્સા ઉપર ભારે અસર થઈ છે. અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. દરમિયાન રાજસ્થાનના એક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પેટ્રોલપંપના કર્મચારીએ કારની 35 લીટરની ટાંકીમાં 43 લીટર પેટ્રોલ નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જો કે, તપાસમાં પેટ્રોલ ચોરીની ઘટના સામે આવતા હંગામો મચી ગયો હતો. તેમજ પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના હનુમાનગઢ શહેરના એક પેટ્રોલપંપ ઉપર કાર લઈને એક વ્યક્તિ પેટ્રોલ પુરાવા ગઈ હતી. તેણે પંપ ઉપર હાજર કર્મચારીને ટાંકી ફુલ કરવાનું કહ્યું હતું. પરંતુ પંપના કર્મચારીએ ઓછુ પેટ્રોલ પુરીને 43 લીટર પેટ્રોલનું બીલ પકડાવ્યું હતું. જેથી કાર ચાલક પણ ચોંકી ઉઠ્યો હતો. કારની પેટ્રોલની ટાંકી જ 35 લીટરની હતી અને અંદર પહેલાથી જ પાંચ લીટર પેટ્રોલ હતી. જેથી આ અંગે પંપના કર્મચારીને જાણ કરતા મામલો બિચક્યો હતો. દરમિયાન આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. જે બાદ કારમાંથી પેટ્રોલ કાઢીને ચેક કરવામાં આવતા પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી હતી. આ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે, કારચાલક અને એકત્ર થયેલા લોકોના મિજાજને પારખી ગયેલા પંપ સંચાલકે ભૂલ સ્વિકારીને માફી માંગી હતી. જેથી કાર માલિકે તેને રૂ. 51 હજારનો દંડ કરવા અને આ રકમ ધાર્મિક સંસ્થામાં દાન કરવા સૂચન કર્યું હતું. દરમિયાન પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. બાદમાં પેટ્રોલ પંપનો સંચાલક દાનમાં રકમ આપવાથી પણ ફરી ગયો હતો. જો કે, પોલીસે બંનેને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.