મેટ્રો રેલ પ્રોજેક્ટઃ ફ્રાન્સનું પ્રતિનિધિ મંડળ આવશે સુરતની મુલાકાતે
અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં મેટ્રો રેલની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન સોમવારે ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમ્પલી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વિવિધ સ્થળની મુલાકાત લઇ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરશે. ફ્રાન્સે આ પ્રોજેક્ટ માટે રૂ. 2100 કરોડની લોન આપવાનો નિર્ણય કર્યો છે.
સુરતના પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ફ્રાન્સના પર્યાવરણ પ્રધાનની સાથે ભારતમાં ફ્રાન્સના એમ્બેસેડર, કોન્સ્યુલટ જનરલ સહિત દસથી પંદર ઉચ્ચ અધિકારીઓનું ડેલીગેશન સુરત આવશે. ફ્રાન્સનું ડેલીગેશન એરપોર્ટથી સીધું મનપા કચેરી આવી પહોચશે. પાલિકા કચેરી પર સુરતને લગતું પ્રેઝન્ટેશન બતાવવામાં આવશે. ત્યારબાદ તેઓ વિવિધ પ્રોજેકટની મુલાકાત લેશે. પ્રતિનિધિમંડળ કમાન્ડ સેન્ટર, બમરોલી બાયો ડાઇવર્સીટી પાર્ક, પ્લાસ્ટીક વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટની મુલાકાત બાદ કિલ્લાની મુલાકાત લેશે. સાંજે સાત વાગ્યા બાદ ડેલીગેશન નવી દિલ્હી જવા રવાના થશે. ફ્રાન્સ અને જર્મનીએ સંયુકતપણે સુરત મેટ્રો માટે રૂપિયા 2100 કરોડની લોન આપવાની જાહેરાત કરી હતી. સુરત મેટ્રો માટે 250 મિલીયન યુરોની લોન અંગે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત દેશમાં અનેક શહેરોમાં હાલ મેટ્રોની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. અમદાવાદમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો પોજેક્ટના બીજા તબક્કાની કામગીરીનો આરંભ કરાવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ હાઈસ્પીટ રેલ પ્રોજેક્ટની કામગીરી પણ ચાલી રહી છે.