ગાંધીનગર ગીફ્ટસિટીથી સાબરમતી મોટેરા સુધી મેટ્રો રેલ સેવા એકાદ મહિનામાં શરૂ કરી દેવાશે
ગાંધીનગરઃ શહેરના ગિફ્ટસિટીથી અમદાવાદના સાબરમતી મોટેરા સુધી મેટ્રો રેલ સેવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આચારસંહિતા પૂર્ણ થતાં જ મેટ્રોનો ફરીવાર ટ્રાયલ રન કરાશે, અને ત્યાર બાદ આવતા મહિને જુનના ત્રીજા સપ્તાહમાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરાશે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના ચ-2 અને ગિફ્ટ સિટી સુધીના રૂટ પર મેટ્રો રેલનું કોમર્શિયલ ધોરણે સંચાલન આગામી જૂન મહિનામાં શરૂ કરી દેવામાં આવશે. આ બંને રૂટ પરના ટ્રેકની ટ્રાયલ અને અન્ય તમામ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. કેટલાક સ્ટેશનોનું થોડું ઘણું કામ બાકી છે તે પંદરેક દિવસમાં પુરું કરી દેવામાં આવશે.
અમદાવાદમાં મોટેરા- નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીના 28 કિલોમીટરના રૂટમાં મેટ્રો સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર રૂટ પર કુલ 22 સ્ટેશનો રહેશે. પ્રથમ તબક્કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી સેક્ટર-1 (ચ-2) સ્ટેશન તથા જીએનએલયુથી ગિફ્ટિસિટી લિંક સુધીના રૂટની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. આથી આ રૂટ પર મેટ્રો ટ્રેન જૂનના ત્રીજા સપ્તાહથી દોડતી થઈ જશે. આ બંને રૂટ પર મેટ્રો રેલનો ટ્રેક સંપૂર્ણ તૈયાર થઇ ગયો છે. જ્યારે સ્ટેશનોની કેટલીક કામગીરી બાકી છે, જે પુરી કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.
મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ- ગાંધીનગર વચ્ચે ગત માર્ચ મહિનામાં ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો હતો. તે પછી બંને રૂટનો ફુલ ટ્રાયલ રન પણ પુરો કરી દેવામાં આવ્યો છે. સ્ટેશનની કામગીરી પણ આગામી 15 દિવસમાં પુરી થઇ જવાની શક્યતા છે. દરમિયાનમાં 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા બાદ આચારસંહિતા પણ સંપૂર્ણપણે ઉઠી જશે તે પછી જૂનના ત્રીજા સપ્તાહમાં વિધિવત લોકાર્પણ કરીને મેટ્રો રેલને લોકોની અવરજવર માટે શરૂ કરવામાં આવશે.મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રેલનો રૂટ ડિસેમ્બર માસમાં શરૂ થઇ જશે