- ગાંધીનગરમાં દોડી શકે છે મેટ્રો
- ત્રણ વર્ષમાં ગાંધીનગરમાં મેટ્રો શરૂ થઈ શકે
- આ પ્રકારે હોઈ શકે છે સરકારનો પ્લાન
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં જે શહેરને રાજ્યનું ઈકોનોમિક હબ ગણવામાં આવે છે ત્યાં તો મેટ્રો ટ્રેનની કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદમાં થોડા મહિનામાં મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવે તેવી સંભાવના છે ત્યારે હવે ગાંધીનગરમાં પણ મેટ્રો દોડી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં પ્રથમ કોરિડોર 22.84 કિલોમીટરની લંબાઇનો હશે જે મોટેરાથી મહાત્મા મંદિરને જોડશે જ્યારે બીજો કોરિડોર 5.42 કિલોમીટરનો છે જે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી પીડીપીયુ અને ગિફ્ટ સિટીને જોડશે.
આ તબક્કામાં પીલર્સ અને ગડર્સના 70 ટકા કામો પૂર્ણ થવા આવ્યા છે. મેટ્રોરેલના બીજા તબક્કાનો કુલ ખર્ચ 5384 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે પરંતુ તેમાં બીજા 1500 કરોડ વધી જાય તેવી સંભાવના છે. આ તબક્કાનું ભૂમિપૂજન અને સિવિલ વર્ક જાન્યુઆરી 2021માં શરૂ થયું હતું, હાલ પીલર્સ, યુ-ગડર્સ સહિત 1011.59 કરોડના ખર્ચે કામો ચાલી રહ્યાં છે.
પ્રથમ તબક્કાની 40.06 કિલોમીટરની કામગીરી 2015માં શરૂ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધીમાં માત્ર 6.5 કિલોમીટરનો ટ્રેક પૂર્ણ થયો છે. કામગીરી શરૂ થયાના છ વર્ષમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાના ત્રણ કમિટમેન્ટ નિષ્ફળ ગયા છે પરંતુ હવે પ્રથમ તબક્કાના કામો વિધાનસભાની ચૂંટણી પહેલાં એટલે કે 2022ની મધ્યમાં અને ગાંધીનગરના 28.05 કિલોમીટરના બીજા તબક્કાના કામો 2024 પહેલાં પૂર્ણ કરી દેવાની સૂચના આપવામાં આવી છે.