1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વસ્ત્રાલ, થલતેજ, મોટેરા સુધીની મેટ્રો ટ્રેન દોડતી થશે
અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વસ્ત્રાલ, થલતેજ, મોટેરા સુધીની મેટ્રો ટ્રેન દોડતી થશે

અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વસ્ત્રાલ, થલતેજ, મોટેરા સુધીની મેટ્રો ટ્રેન દોડતી થશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં વસ્ત્રાલ, થલતેજ, અને મોટેરા સુધીની મેટ્રો ટ્રેન ચાલુ કરી દેવાશે. મેટ્રો ટ્રેનનું કામ લગભગ પુરૂ થઈ ગયું છે. હાલ પ્રથમ તબક્કામાં એપરલપાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી રહી છે. શહેરમાં દિવાળીના તહેવારમાં મેટ્રો ટ્રેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. દિવાળીના પાંચ દિવસમાં 16 હજારથી વધુ લોકોએ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી દોડતી મેટ્રો ટ્રેનની સવારી કરીને મજા માણી હતી. શહેરમાં હજી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આવનારા 2022ના વર્ષમાં ઓગસ્ટ માસમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. આ માટે હાલમાં મેટ્રો રેલના કર્મચારીઓ દ્વારા દિવસરાત કામગીરી કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશની આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે સ્માર્ટસિટીને 40 કિ.મી.લાંબી મેટ્રો રેલ સેવાની ભેટ મળશે.  આવતા ઓગસ્ટ માસમાં શહેરીજનો અમદાવાદના એક છેડેથી બીજા છેડે જવા માટે મેટ્રો ટ્રેન સેવાનો લાભ લઇ શકશે. મેટ્રો રેલ પ્રોજેક્ટ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરીને મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી કરી દેવાશે.  મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીના 18.87 કિ.મી.લાંબા નોર્થ-સાઉથ કોરિડોરમાં 15 સ્ટેશન છે. સાબરમતી, એઇસી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ઓલ્ડ હાઇકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયાંશ ક્રોસિંગ, રાજીવનગર અને જીવરાજ સ્ટેશન રહેશે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરની લંબાઇ 21.16 કિ.મી. છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો કોરિડોર છે, એમાં 17 સ્ટેશન છે. નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એેપરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઇકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ સ્ટેશન વગેરે સ્ટેશનો રહેશે.

એપરલ પાર્કથી શાહપુર સુધી 6.6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ બની ગયો છે. કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર સ્ટેશન અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. હાલમાં અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. રેલવે-ટ્રેક પણ પાથરી દેવાયાં છે અને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે. સાબરમતી નદી પરથી પણ મેટ્રો બ્રિજ પસાર થશે, જે હાલમાં બની ગયો છે. 298 મીટર લાંબો આ બ્રિજ અત્યાધુનિક પદ્ધતિથી બનાવાયો છે, જેમાં 1050 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. 5500 ક્યૂબિક મીટર ક્રોન્ક્રીટ વપરાયું છે. 6 પિલ્લર પર આ બ્રિજ ઊભો છે. 38.2 મીટરથી લઇને 43.8 મીટર સુધીનાં પિલ્લર છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને આ બ્રિજ જોડે છે. અમદાવાદમાં હાલમાં મેટ્રો રેલની કામગીરીને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code