અમદાવાદઃ શહેરમાં દરેક સોસાયટીઓ, પોળો, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી ખેલૈયોઓ ગરબે ઘૂંમી રહ્યા છે. નવરાત્રીને લીધે મોડી રાત સુધી શહેરના તમામ રસ્તાઓ પર ટ્રાફિકનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. લોકોને નવરાત્રી દરમિયાન મોડીરાતે પોતાના ઘરે જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મેટ્રો ટ્રેન રાતના બે વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં નવરાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન દ્વારા રાતના 2 વાગ્યા સુધી કાર્યરત રહેશે. એટલે કે, તા. 23મી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડતી રહેશે. જો કે 10 વાગ્યા બાદ 20 મિનિટના અંતરે બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન દોડશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વિશ્વકપની મેચ દરમિયાન રાતના 1 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી હતી. શહેરમાં હવે ગરબા પણ મોડી રાત સુધી રમી શકાશે એવો નિર્ણય લેવાયા બાદ લાઈફલાઈન મેટ્રો ટ્રેન 23મી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં સવારે 6.20થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડે છે. શહેરમા મેટ્રો ટ્રેનની સેવા સવારે 6.20થી સવારે 7 વાગ્યા સુધી 20 મિનિટનાં અંતરાલ પર તથા સવારે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. હવે નવરાત્રિના ટ્રાફિકને પહોંચી વળવા માટે તા. 23 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન સવારે 6.20થી મધ્યરાત્રિના 2 વાગ્યા સુધી દોડશે. જેનાથી ખેલૈયાઓ તથા મુસાફરોને અવરજવરમાં સરળતા રહેશે. 17 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20થી રાત્રિના 10 કલાક દરમિયાન રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે. તેમજ રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રીના 2 વાગ્યા સુધી દરેક મેટ્રો સ્ટેશનથી 20 મિનિટનાં અંતરાલ પર ઉપલબ્ધ રહેશે. બંને કોરિડોરમાં દરેક ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય મધ્યરાત્રિના 2 વાગ્યાનો રહેશે.