Site icon Revoi.in

Microsoftનું સર્વર ઠપ્પ, દુનિયાભરની બેન્કથી લઈને એરલાઇન્સ સુધીની સેવાઓ ખોરવાઈ

Social Share

નવી દિલ્હીઃ દુનિયાભરમાં Windows પર કામ કરતી સિસ્ટમ્સ સમસ્યાઓનો સામનો કરી રહી છે.CrowdStrikeની સેવાઓ પ્રભાવિત થવાને કારણે લોકોની સિસ્ટમ બંધ થઈ રહી છે. તેનાથી મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર થઈ છે. વિશ્વભરમાં ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર વાદળી સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. કંપનીના ફોર્મ પરના પિન મેસેજ મુજબ, ઘણા વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઑફ ડેથ (BSOD) એરર જોઈ રહ્યા છે. આ સમસ્યા હાલમાં ક્રાઉડ સ્ક્રીમ અપડેટ પછી થઈ રહી છે. આ સમસ્યાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. Microsoftએ આ માહિતી આપી છે. શુક્રવારે સવારે તેમની ક્લાઉડ સેવાઓ ખોરવાઈ જવાને કારણે વિશ્વભરના ઘણા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે.

Microsoft સર્વર ડાઉન થતા એરલાઈન્સની ફ્લાઈટને અસર થઈ છે. આ આઉટેજને કારણે ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં એરક્રાફ્ટ ફ્લાઇટ્સ પર અસર પડી છે. માઈક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટસ અપડેટ અનુસાર, આ સમસ્યાનું પ્રારંભિક કારણ એઝ્યુર બેકએન્ડ વર્કલોડના રૂપરેખાંકનમાં ફેરફાર છે જે સ્ટોરેજ અને કોમ્પ્યુટ સંસાધનોની વચ્ચે અડચણ ઊભી કરે છે અને પરિણામે કનેક્ટિવિટી નિષ્ફળ જાય છે. કંપનીનું કહેવું છે કે આ સમસ્યાને કારણે માઈક્રોસોફ્ટ 365 સેવાઓ પ્રભાવિત થઈ છે. માઈક્રોસોફ્ટ સાથે કામ કરતી CrowdStrikeએ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે. CrowdStrike એક સાયબર સુરક્ષા ફર્મ છે. ફર્મના એન્જિનિયરે આ સમસ્યા શોધી કાઢી છે જેના કારણે સમસ્યા સર્જાઈ હતી.

આ અંગે અકાસા એરલાઈન્સે જણાવ્યું છે કે અમારા સર્વિસ પ્રોવાઈડર સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓના કારણે અમારી કેટલીક ઓનલાઈન સેવાઓ, જેમાં બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ મેનેજમેન્ટ સેવાઓનો સમાવેશ થાય છે તે અસ્થાયી રૂપે ખોરવાઈ ગઈ છે. હાલમાં અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓનું પાલન કરી રહ્યા છીએ અને તેથી તાત્કાલિક મુસાફરીનું આયોજન કરતા મુસાફરોને અમારા કાઉન્ટર પર ચેક-ઇન કરવા માટે એરપોર્ટ પર વહેલા પહોંચવા વિનંતી કરવામાં આવે છે.